- આવતી કાલે ભારત બંધ
- સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન
- યુનિયન બેન્ક આપશે સમર્થન
દિલ્હી : ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા સામે ખેડૂતો 10 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તેમના આંદોલનને વધુ મજબૂત કરવા માટે ખેડૂતોએ આવતીકાલે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. આ બંધનું નેતૃત્વ સંયુક્ત કિસાન મોરચા કરશે. આવતીકાલે ખેડૂત દ્વારા ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.
વિપક્ષનું સમર્થન
વિપક્ષી પાર્ટીઓ પણ સંયુક્ત કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા આ ભારત બંધને ટેકો આપી રહી છે. આ બંધને કોંગ્રેસ, સીપીઆઈ (એમ), એનસીપી, તૃણમૂલ, આરજેડી જેવા વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
AIBOCએ પણ આપ્યું સમર્થન
ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AlBOC) એ સોમવારે બંધને પોતાનો ટેકો આપ્યો છે. તેણે સરકારને ખેડૂતો સાથે તેમની માંગણીઓ પર વાટાઘાટો કરવા અને મડાગાંઠના કેન્દ્રમાં ત્રણ કાયદા રદ કરવા વિનંતી કરી છે.