અમદાવાદ:ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના લોકપ્રિય ગરબા નૃત્યને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઑફ હ્યુમેનિટી (ICH)ની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. નવરાત્રિ ઉત્સવ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં યોજાતા ગરબાને યાદીમાં સામેલ કરવા માટે ભારતે નામાંકન કર્યું હતું. ગરબાના સ્વરૂપમાં દેવી માતાની ભક્તિની વર્ષો જૂની પરંપરા જીવંત અને વિકસી રહી છે.
રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે X પર લખ્યું કે, 'માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.