પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અથવા તો PCOS, એ પ્રજનનક્ષમ વયે મહિલાઓને સતાવતી એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માસિક ચક્ર સાથે જોડાયેલી છે, જેના કારણે માસિક ચક્ર અનિયમિત કે લાંબું રહે છે કે પછી શરીરમાં નર હોર્મોન લેવલ ઊંચું રહે છે. અંડાશયમાં સિસ્ટ (પ્રવાહીનું એકત્રીકરણ) પણ થઇ શકે છે, જેના કારણે અંડાશય ઇંડાં છૂટા પાડવા માટે અસક્ષમ બને છે. જો આ સ્થિતિ યથાવત્ રહે, તો મહિલાને PCOSનું નિદાન થઇ શકે છે. PCOS થવા પાછળનું ચોક્કસ કારણ અજ્ઞાત છે, જોકે, વહેલી તકે નિદાન, સારવાર અને યોગ્ય વજન જાળવવાથી મદદ મળી શકે છે. આ સમસ્યાના કારણે ડાયાબિટીસ કે હૃદય સંબંધિત બિમારી જેવી શારીરિક સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.
PCOSનાં લક્ષણો
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા જણાવ્યા મુજબ, અહીં PCOSનાં કેટલાંક લક્ષણો તથા નિશાનીઓ વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, આ લક્ષણો સામાન્યપણે કિશોરાવસ્થાના ઉત્તરાર્ધ અથવા તો ઉંમરની વીસીના પ્રારંભમાં દેખા દેતાં હોય છે અને તેમાં નીચેનાં લક્ષણોનો સમાવેશ થાય છેઃ
અનિયમિત પિરીયડ અથવા તો પિરીયડ જ ન આવવા
અનિયમિત ઓવ્યુલેશન અથવા ઓવ્યુલેશનની નિષ્ફળતાના પરિણામે ગર્ભાધાનમાં મુશ્કેલી
વધુ પડતા વાળ ઊગવા (હર્સ્યુટિઝમ) – સામાન્યપણે ચહેરા, છાતી, પીઠ કે નિતંબ પર વાળ ઉગવા
વજન વધવું
માથા પરના વાળ પાંખા થવા અને વાળ ખરવા લાગવા
તૈલી ત્વચા અથવા ખીલની સમસ્યા
અન્ય લક્ષણોમાં ભારે બ્લીડિંગ, શરીર પર કાળા ચકામા પડવા, માથું દુખવું, પેડુમાં દુખાવો થવો અને વંધ્યત્વનો સમાવેશ થાય છે.
PCOS થવા પાછળનાં જવાબદાર કારણો
ઉપર જણાવ્યું તે પ્રમાણે, PCOS થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાતો સૂચવે છે કે, આ બિમારી વારસાગત હોઇ શકે છે. આ ઉપરાંત શરીરમાં હોર્મોનના અસાધારણ સ્તરના કારણે પણ તે થઇ શકે છે, જેમકે, એન્ડ્રોજિન કે પુરુષ હોર્મોન્સનું ઊંચું પ્રમાણ તથા ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર. મેદસ્વીતા કે વધુ પડતા વજનના કારણે પણ આ બિમારી લાગુ પડી શકે છે.
PCOS તથા આરોગ્યની અન્ય તકલીફો
PCOS બિમારી અમુક ચોક્કસ આરોગ્ય સંબંધિત તકલીફો સાથે સંકળાયેલી છે, તે પૈકીની કેટલીક લાંબા ગાળાની સમસ્યાઓ નીચે પ્રમાણે છેઃ