મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથને આજે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ઠાકરે જૂથે આજે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચ સામેની અરજીની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જેના જવાબમાં CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે અરજી તાત્કાલિક સુનાવણી માટે સ્વીકાર્ય નથી. સુપ્રીમ કોર્ટે પ્રક્રિયા મુજબ આવતીકાલે અરજી દાખલ કરવા જણાવ્યું છે. હવે ઉદ્ધવ જૂથ આવતીકાલે આ અરજી પર તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરશે.
ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો:મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને વિધાનસભામાં પાર્ટી ઓફિસનો કબજો મળી ગયો છે. જો કે ઉદ્ધવ ઠાકરે જૂથે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું પ્રતીક ફાળવવામાં ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ જૂથની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ ચૂંટણી પંચના નિર્ણય સામેની અરજી અંગે માહિતી આપી છે.