નવી દિલ્હી:પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના ( Assembly Election Results 2022) પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા, જેણે ઘણા રાજકીય દિગ્ગજોને નિરાશા આપી હતી. આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યપ્રધાનોને પોતપોતાની બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય સહિત ત્રણ વર્તમાન નાયબ મુખ્યપ્રધાનોને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો:પાંચ રાજ્યોના લગભગ આઠ લાખ મતદારોએ દબાવ્યું 'NOTA'નું બટન
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી હાર્યા
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને ઉત્તરાખંડના તેમના સમકક્ષ પુષ્કર સિંહ ધામી પણ પોતપોતાની બેઠકો પરથી હારી ગયા છે. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ સિંહ રાવત અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ અને અમરિન્દર સિંહ પણ પોતપોતાની બેઠકો પરથી હારી ગયા છે. ધામી ભલે ચૂંટણી જંગ હારી ગયા હોય, પરંતુ ઉત્તરાખંડમાં તેમનો પક્ષ વિજયી બન્યો છે. પંજાબમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો બાદલ, અમરિંદર સિંહ અને રાજિન્દર કૌર ભટ્ટલ પોતપોતાની બેઠકો પરથી હારી ગયા છે. આ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે.
પંજાબ સરકારનાભૂતપૂર્વ પ્રધાનો ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે હાર્યા
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની ભદૌર અને ચમકૌર સાહિબ બંને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે. શિરોમણી અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ આમ આદમી પાર્ટીના હરીફ સામે ચૂંટણી હારી ગયા હતા. પંજાબ સરકારના મોટાભાગના વર્તમાન અને ભૂતપૂર્વ પ્રધાનો ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારો સામે હારી ગયા છે. ગોવામાં પૂર્વ મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચર્ચિલ અલેમાઓ બેનૌલિમ બેઠક પરથી AAP ઉમેદવાર સામે હારી ગયા છે. દરિયાકાંઠાના રાજ્યના બંને નાયબ મુખ્યપ્રધાનોને કોંગ્રેસના હરીફોના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ભાજપ ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને આગામી સરકાર બનાવશે.
આ પણ વાંચો:Assembly Election Result 2022: જનતાએ ભાજપના ઈરાદા અને નીતિ પર મહોર મારી: PM મોદી
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય 7,337 મતોથી હાર્યા
નાયબ મુખ્યપ્રધાન મનોહર અજગાંવકરને વિપક્ષના નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિગંબર કામત દ્વારા હરાવ્યા હતા, જ્યારે અન્ય નાયબ મુખ્યપ્રધાન ચંદ્રકાંત કાવલેકરને ક્વિપેમ બેઠક પરથી કોંગ્રેસના અલ્ટોન ડી'કોસ્ટાએ હરાવ્યા હતા. એ જ રીતે, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બી જિલ્લાની સિરાથુ બેઠક પરથી સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલ સામે 7,337 મતોથી વિધાનસભા ચૂંટણી હારી ગયા છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ગુરુવારે કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી.