- વડાપ્રધાન મોદી બુધવારે પહોંચ્યા અમેરિકાના પ્રવાસે
- CEO સાથેની બેઠકમાં ભારતના વિકાસના વખાણ
- આજે શુક્રવારે અમેરિકન પ્રેસિડન્ટ સાથે કરશે બેઠક
વોશિંગ્ટન: PM મોદીના અમેરિકા પ્રવાસને લઈને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની અમેરિકાના ટોચના CEO સાથેની બેઠક દરમિયાન તેઓએ ભારતમાં હાલમાં થયેલા સુધારાઓના વખાણ કર્યા હતા અને દેશમાં રોકાણ માટે મહત્વપૂર્ણ અવસર હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ બુધવારે યોજેલી બેઠકોમાં ભારતમાં રોકાણની વ્યાપક સંભાવનાઓ જણાવીને પ્રોત્સાહિત કર્યા હતા.
ભારતમાં રોકાણની નોંધપાત્ર તકો
વડાપ્રધાન મોદી બુધવારે અમેરિકાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમના પ્રવાસની શરૂઆતમાં, તેમણે ક્વોલકોમ, એડોબ, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ અને બ્લેક સ્ટોનનાં સીઈઓ સાથે અલગ બેઠક યોજી હતી. આ તે કંપનીઓ છે. જે 5G, સેમિકન્ડક્ટર, ડિફેન્સ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશ્વમાં પ્રખ્યાત છે. બેઠક બાદ વિદેશ સચિવ શ્રૃંગલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભારતમાં તાજેતરના સુધારાના પગલાંની પ્રશંસા કરીને તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ પગલાંઓએ ભારતમાં વ્યવસાયનું વાતાવરણ વધુ અનુકૂળ બનાવ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઉદાર રોકાણના નિયમો બનાવ્યા છે અને તેમને સમજાયું છે કે, ભારતમાં રોકાણની નોંધપાત્ર તકો છે.