- જરૂર પડશે તો સરહદ પાર આતંકવાદીઓ પર થશે કાર્યવાહી
- રાજનાથ સિંહે આતંકવાદીઓ અને પાકિસ્તાનને આપ્યો આકરો સંદેશ
- પહેલા આતંકવાદીઓ વિરુદ્ધ નરમ વલણ અપનાવાતું હતું, હવે સ્થિતિ બદલાઈ
નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) એક કાર્યક્રમમાં કહ્યું છે કે, લોકો કહ્યા કરતા હતા કે કલમ 370 હટી જશે, તો આખું કાશ્મીર (Kashmir) સળગી ઉઠશે. કુલ મળીને જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) કેટલીક ઘટનાઓને છોડીને શાંતિપૂર્ણ છે.
અલગ-અલગ અથડામણમાં 9 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ જિલ્લામાં આ વર્ષે જૂનથી ઘૂસણખોરી કરવાના પ્રયત્નોમાં વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપ અલગ-અલગ અથડામણમાં 9 આતંકવાદીઓ માર્યા ગયા. સિંહે કહ્યું છે કે, આપણી દુશ્મની શક્તિઓ અકળાઈ રહી છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓની હિંમત તૂટી ગઈ છે.
સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ભારતીય થળ સેના 11 ઓક્ટોબરથી મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ઘણા પ્રયાસો કરવા છતાં પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન કોઈ સમર્થન મેળવી શક્યું નથી. સિંહે કહ્યું કે, (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીએ આતંકવાદ સામે ભારતના વલણને નવેસરથી બનાવ્યું અને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે.