- પેરાલિમ્પિક રમતમાં અત્યારસુધીનું આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
- 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો
- ભારતે મેડલ ટેબલમાં 24મું સ્થાન હાંસિલ કર્યું
નવી દિલ્હી- ટોક્યો પેરાલિમ્પિક 2020 ખેલમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે મેડલ ટેબલમાં 24મું સ્થાન હાંસિલ કર્યું. પેરાલિમ્પિક રમતમાં અત્યારસુધીનું આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારતના બેડમિંટન ખેલાડીઓએ ચાર મેડલ જીત્યા
ભારતના બેડમિંટન ખેલાડીઓએ ચાર મેડલ જીત્યા, જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. ટોક્યો પેરાલિમ્પિક ગેમના અંતિમ દિવસ રવિવારે ભારતીય શટલર કૃષ્ણા નગરે બેડમિંટનમાં ગોલ્ડ મેડલ અને ડીએમ સુહાસ એલ યથિરાજે સિલ્વર મેડલ જીત્યો.
બેડમિંટનમાં પ્રમોદ ભગતે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો
શનિવારે બેડમિંટનમાં પ્રમોદ ભગતે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષ સિંગલ્સની SL3 કેટેગરીના ફાઇનલમાં ડેનિયલ બ્રેથેલને માત આપી. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલી મેચમાં ડેનિયાલને 21-14, 21-17 થી માત આપી. બેડમિંટનના ટોક્યોમાં પેરાલિમ્પિક ડેબ્યૂ કરવા સાથે પ્રમોદ ભગત પણ પોતાની કેટેગરીમાં પ્રથમ પેરાલિમ્પિક ચેમ્પિયન બની ગયો હતો.
અવનિ લેખરાએ અપાવ્યો પ્રથમ ગોલ્ડ
પેરા-શૂટર અવનિ લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. અવનિએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ 1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.