ઉત્તર 24 પરગણા: મંગળવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાર્યકરને તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર જગદ્દલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાટપરાના પુરાણી તાલામાં સાંજે આ ઘટના બની હતી. મૃતકની ઓળખ વિકી જાદવ તરીકે થઇ છે. આ ઘટના ત્યારે બની જયારે તે પોતાના ઘરની બહાર ઉભો હતો.
નવ રાઉન્ડ ફાયરિંગ:અહેવાલ મુજબ હુમલાખોરો બાઇક પર સવાર હતા અને નજીકથી જાદવ પર નવ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે છાતી અને પેટમાં ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર જાદવને શરૂઆતમાં ભાટાપારા સ્ટેટ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.