નવી દિલ્હીઃ લોકસભાની સદસ્યતા રદ થતા જ ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ કકળાટ મચાવી દીધો છે. તેણીએ કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા છે. મહુઆએ કહ્યું કે, આ બધુ પહેલેથી જ નક્કી હતું. એથિક્સ કમિટીનો દુરુપયોગ થયો છે. એથિક્સ કમિટીને નૈતિકતાના માપદંડના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી તે ઉદ્દેશ્યથી વિરુદ્ધ થઈ રહ્યું છે. હવે તેનો ઉપયોગ વિરોધ પક્ષ પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે. કમિટીએ જે રિપોર્ટ તૈયાર કર્યો તે માત્ર બે લોકોના લેખિત નિવેદન પર આધારિત છે.
ટીએમસી નેતા મહુઆ મોઈત્રાને કેશ ફોર ક્વેરી મામલે લોકસભાની સદસ્યતા ગુમાવી પડી છે. તેમના પર પૈસા લઈને સવાલ પુછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એથિક્સ કમિટીએ આ આરોપો પર વિચાર વિમર્શ કર્યો હતો. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ મહુઆ મોઈત્રાની સંસદ સદસ્યતાને રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ સદનમાં આ પ્રસ્તાવને ધ્વનિમતથી સ્વીકાર કરી લેવામાં આવ્યો. આ સમયે દરેક વિપક્ષે વોકઆઉટ પણ કરી દીધું હતું.
એથિક્સ કમિટીની રિપોર્ટ સદન પટલ પર આવતા જ જોરદાર ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. ટીએમસી સાંસદોએ મહુઆ મોઈત્રાને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પરવાનગી અપાય તેવી માંગણી કરી હતી. જો કે સ્પીકરે આ માંગણી ફગાવી દીધી હતી. સંસદીય કાર્ય પ્રધાને જણાવ્યું કે, કમિટી સમક્ષ મહુઆ મોઈત્રાને પોતાનો પક્ષ રાખવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.
સ્પીકર ઓમ બિરલાએ પહેલાની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો. એથિક્સ કમિટીની અધ્યક્ષતા ભાજપા સાંસદ વિનોદ સોનકર કરી રહ્યા હતા. કમિટીએ નવ નવેમ્બરે મહુઆને સાંસદ પદેથી હકાલપટ્ટીનો રિપોર્ટ સ્વીકાર્યો હતો. પક્ષમાં છ સાંસદોએ મત આપ્યો જ્યારે 4 સાંસદોએ અસહમતિ દર્શાવી હતી.