ન્યૂઝ ડેસ્ક: જે દેશો પ્રશંસનીય વાણિજ્યિક વિચારો અને નવીનતાસભર ટૅક્નૉલૉજીને પ્રોત્સાહિત કરે છે તેમાં વિકાસ વેગવંતો બને છે. તેનાં અનેક પ્રેરણારૂપ ઉદાહરણ છે. આની વિરુદ્ધ, આપણો દેશ છે જ્યાં એન્જિનિયરિંગ કૉલેજો બેરોજગાર ડિગ્રીધારકોનું ઉત્પાદન કરવાનાં કારખાનાં બની ગઈ છે અને તેનું કારણ શિક્ષણનું કથળેલું સ્તર છે. આ સંદર્ભમાં તેલંગણાના માહિતી ટૅક્નૉલૉજી પ્રધાન શ્રી કેટીઆરે સૂચન કર્યું છે કે બી. ટૅક. વિદ્યાર્થીઓએ કરેલી શોધોને માન્યતા આપવી જોઈએ અને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. શ્રી કેટીઆરનું આ સૂચન ગંભીર વિચારણા માગી લે છે. જો સર્જનાત્મકતા અને નવા વિચારોને પ્રોત્સાહન અપાય તો અદ્ભુત ઉદ્યોગો બહાર આવી શકે તેમ છે. આને કાલ્પનિક આશાવાદ તરીકે રાખવા કરતાં, દરેક રાજ્યએ આ દિશામાં આગળ વધવા એક કાર્ય યોજના બનાવવી જોઈએ.
વડા પ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવું હોય તો સરકારના ભાગે ઘણું કરવાનું રહે છે. આજનાં સ્ટાર્ટ અપને આવતીકાલની બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પરિવર્તિત કરવાની વડા પ્રધાનની મહેચ્છાને સાકાર કરવા ઘણું કરવાની આવશ્યકતા છે. હૈદરાબાદમાં યોજાયેલી સાહસિક અને ઔદ્યોગિક શિખરમાં સંકલ્પ વ્યક્ત કરાયા મુજબ, ચમત્કારો કરવા માટે વિશ્વાસ, પ્રોત્સાહન અને મૂડીરોકાણ મહત્ત્વનાં ઘટકો છે. જો સાહસિકો દ્વારા મજબૂત અને શોધરૂપ વિચારોને સંસ્થાગત પ્રોત્સાહન અપાય અને તેમના સાહસને આર્થિક સહાય સુનિશ્ચિત કરાય તો કોઈ પણ પડકારને સરળતાથી જીતી શકાય છે.
એક તરફ, આપણા દેશમાં કૉવિડ-૧૯થી સર્જાયેલી કટોકટીએ અસંખ્ય સ્ટાર્ટ અપની આકાંક્ષા કચડી નાખી છે ત્યારે પડોશી પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના એટલે કે ચીન આ જ સમયગાળામાં મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગોમાં વિશ્વનું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ચીન સમયે સમયે ઉભરતી ટૅક્નૉલૉજિકલ તકોનો ફાયદો પણ લઈ રહ્યું છે. આપણી સરકારો દાવો કરે છે કે દેશમાં રોજગાર માગવાના બદલે રોજગારની તર્કો સર્જે તેવી વ્યક્તિઓ વિકસાવવાનો તેમનો હેતુ છે. જ્યારે સરકારો નવા વિચારોને પ્રોત્સાહન આપે અને હવા આપે તેવી રણનીતિઓ અને યોજનાઓને પ્રાથમિકતા આપે ત્યારે જ દેશમાં પરિસ્થિતિ સુધરી શકે તેમ છે.