ઉત્તરપ્રદેશ : દુધવા બફર ઝોનમાં પોતાના ખેતરમાં ગયેલા એક યુવાન ખેડૂતને વાઘ ખાઈ જતા ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૃતકની શોધખોળ કરવા ગયેલી પત્ની જ્યારે ખેતરમાં પહોંચી તો વાઘ ખેડૂતના મૃતદેહ ચૂંથી રહ્યો હતો. જીવ હચમચાવી દેતું આ દ્રશ્ય જોઈ પત્ની બેહોશ થઈ ગઈ હતી. તેમની સાથે આવેલા ગ્રામજનોએ ચિલ્લાઈને વાઘને ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં વાઘ પોતાના શિકારને મૂકવા તૈયાર નહોતો. ઘણા પ્રયત્નો પછી વાઘ ત્યાંથી વાઘ ત્યાંથી ભાગી ગયો. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રના અધિકારી અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ મૃતદેહનો કબજો લેવા ન દેતા વન વિભાગના અધિકારીઓએ પીડિતના પરિવારને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત કરી ત્યારબાદ ગ્રામજનો સંમત થયા હતા.
માનવભક્ષી વાઘનો હુમલો : દુધવા ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં આવેલા મૈલાની રેન્જના ગામ બાસુકપુરમાં રહેતા રાજારામનો પુત્ર નરેન્દ્ર બુધવારે ખેતરમાં ગયો હતો. લાંબા સમય સુધી નરેન્દ્ર પરત ન આવતાં તેની પત્ની તેને શોધવા ખેતરોમાં ગઈ હતી. તેણ છતાં પતિની કોઈ ભાળ ન મળતા કંઈક અનિચ્છનીય બન્યું છે તેની ચિંતામાં પત્નીએ પરત ફરી ગ્રામજનોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ફરીથી બધા લોકોની સાથે મહિલા ખેતર તરફ ગઈ અને ખેતરોમાં ઘૂસી યુવકની શોધખોળ શરુ કરવામાં આવી હતી.
યુવાનને ફાડી ખાધો : આ દરમિયાન શેરડીના ખેતરમાંથી નરેન્દ્રનો અડધી ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં એક વાઘ બેઠો હતો. આ જોઈને ગ્રામજનોએ ચિલ્લાઈને વાઘને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘણો પ્રયાસ કર્યા બાદ વાઘ ખેતરમાં મૃતદેહને મૂકીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગ્રામજનો દ્વારા યુવકનો મૃતદેહ બહાર લઈ જવામાં આવ્યો હતો. નરેન્દ્રના મૃત્યુથી તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ બધાની હાલત દયનીય બની ગઈ છે.