ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિરૂપતિ પેટાચૂંટણી: લોકશાહી પર લાંછન, બોગસ મતદારોની યોજનાબદ્ધ ચઢાઈ - પેડ્ડી રેડ્ડી રામાચંદ્રા રેડ્ડી

તિરૂપતિમાં લોકશાહીને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. લોકસભાની પેટા ચૂંટણીમાં મતદાન માટે યોજનાબદ્ધ રીતે શહેરમાં મોકલવામાં આવેલા હજારો બોગસ મતદારોએ શહેરભરના મતદાન કેન્દ્રો પર મતદાન કર્યું હતું. કેટલાક લોકો રંગેહાથે પકડાયા હતા, તો હજારો બોગસ મતદારોએ અન્યના મતદાનના હક ભોગવી લીધા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડીયા પર વાઈરલ થયેલા કેટલાક વીડિયોમાં બોગસ મતદારો વોટર આઈ.ડી. કાર્ડ પર લખેલું નામ પણ બોલી શકતા ન હતા. તિરૂપતિમાં યોજનાબદ્ધ રીતે બોગસ મતદારોની આ ચઢાઈને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

તિરૂપતિ પેટાચૂંટણી: લોકશાહી પર લાંછન, બોગસ મતદારોની યોજનાબદ્ધ ચઢાઈ
તિરૂપતિ પેટાચૂંટણી: લોકશાહી પર લાંછન, બોગસ મતદારોની યોજનાબદ્ધ ચઢાઈ

By

Published : Apr 18, 2021, 12:56 PM IST

  • તિરુપતિમાં લોકસભાની પેટાચૂંટણીમાં બોગસ મતદારોનો રાફડો ફાટ્યો
  • અન્ય શહેરોમાંથી લાવવામાં આવેલા લોકોએ હજારો બોગસ મત નાંખ્યા
  • શાસક પક્ષનું કાવતરૂ હોવાનો વિરોધ પક્ષનો દાવો, ચૂંટણી રદ્દ કરવાની માગ

તિરૂપતિ: લોકસભાની પેટા ચૂંટણીના મતદાન દરમિયાન લોકશાહી પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પ્લાનિંગ સાથે ખાનગી વાહનોમાં તિરૂપતિ મોકલવામાં આવેલા બોગસ મતદારોએ કોઈ રોકટોક વગર શહેરભરના વિવિધ મતદાન કેન્દ્રો પર મતદાન કર્યું હતું. જોકે, ઉમેદવારો તેમજ વિવિધ પક્ષના કાર્યકરોએ કેટલાક બોગસ મતદારોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસ હવાલે કર્યા હતા. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, આ કાવતરા પાછળ શાસક પાર્ટી YSRCPનો હાથ છે. 'ધ તેલુગુ દેસમ પાર્ટી' (TDP) દ્વારા આ અંગે કેન્દ્રીય ચૂંટણી આયોગમાં પુરાવા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. TDP અને ભાજપ દ્વારા આ મતદાનને રદ્દ કરીને પુનઃ ચૂંટણી યોજવાની માગ કરાઈ છે.

આ પણ વાંચો:આંધ્ર પ્રદેશઃ કુરનૂલ માર્ગ અકસ્માતમાં ચાર બાળકોના મોત, 15 ઇજાગ્રસ્ત

માસ્કના કારણે મતદાન મથકના કર્મચારીઓ પણ ન ઓળખી શક્યા !

તિરૂપતિના મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું હતું. મતદારો પોતાના વોટર આઈ.ડી કાર્ડ સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે લાઈનબદ્ધ ઉભા હતા અને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આ વચ્ચે ચિત્તૂર અને કડાપા વિસ્તારમાંથી આવેલા સેંકડો બોગસ મતદારો શહેરભરના મતદાન કેન્દ્રો પર પહોંચી ચૂક્યા હતા. તેઓ બોગસ વોટર આઈ.ડી કાર્ડ સાથે યોજનાબદ્ધ રીતે ફેલાઈ ગયા હતા. મતદાન કરવા આવેલા તમામ લોકોએ માસ્ક પહેર્યા હોવાથી મતદાન કેન્દ્રોના કર્મચારીઓ પણ બોગસ મતદારોને ઓળખી શકતા ન હતા. દિવસ પૂર્ણ થતા સુધીમાં હજારો બોગસ મતદારોએ શહેરભરના મતદાન કેન્દ્રો પર મતદાન કરી દીધુ હોવાની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચો:આંધ્ર પ્રદેશઃ કાર લોક થઈ જતાં ગૂંગળામણને કારણે 3 બાળકોના મોત

કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

રાબેતા મુજબ ચાલી રહેલા મતદાન દરમિયાન મતદાન કેન્દ્રો પર હાજર વિવિધ રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓને કેટલાક મતદારો પર શંકા થઈ હતી. કાર્યકરો દ્વારા મતદારોને તેમના નામ પૂછવામાં આવતા તેમને આઈ.ડી કાર્ડ પર લખેલા નામ પણ યાદ નહોતા. તેમના વોટર આઈ.ડી કાર્ડની પાછળની બાજુએ તેમના મતદાનમથકના નામ લખેલા જોવા મળ્યા હતા. કેટલીક મહિલાઓએ સ્વિકાર્યુ હતું કે, તેઓ બોગસ મતદાન કરવા આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પનાબકા લક્ષ્મીએ ખુદ કેટલાક બોગસ મતદારોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને 47 ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. આ સિવાય પેટાચૂંટણીમાં BJPના ઉમેદવારે પણ કેટલાક બોગસ મતદારોને રંગેહાથ પકડ્યા હતા.

આ પણ વાંચો:આંધ્ર પ્રદેશ સરકારે બદલ્યો નિર્યણ, રમેશ કુમાર ફરી બન્યા રાજ્ય ચૂંટણી કમિશનર

ચૂંટણી પંચ દ્વારા બોગસ મતદારો ભરેલી 4 બસ પકડવામાં આવી

માત્ર મતદાન કેન્દ્રો પર જ નહિ, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી તિરૂપતિ ખાતે આવી રહેલા બોગસ મતદારોને રસ્તામાંથી પણ પકડવામાં આવ્યા હતા. સવારથી જ બોગસ મતદાન અંગેની વાતો અને વીડિયો શહેરભરમાં પ્રસરતા જ રાજકીય પાર્ટીઓના કાર્યકરો, નેતાઓ અને ચૂંટણી પંચ ખુદ મેદાને ઉતર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસ દરમિયાન બોગસ મતદારોને લઈને જઈ રહેલી 4 બસો પકડવામાં આવી હતી. વાઈરલ થયેલા કેટલાક વીડિયોમાં બસમાં બેસેલા લોકો આઈ.ડી કાર્ડ પર લખેલા નામ પણ બોલી શકતા ન હતા.

મતદાન રદ્દ કરીને પુનઃ મતદાન યોજવાની માગ

વિરોધ પક્ષ TDPએ શાસક પક્ષ YCPને બોગસ મતદાન માટે જવાબદાર ઠેરવી હતી. TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓએ પેડ્ડી રેડ્ડી રામાચંદ્રા રેડ્ડી પર આરોપ લગાવતા કહ્યું કે, તેમની માલિકીના પાર્ટી પ્લોટમાં હજારો બોગસ મતદારોને રાખવામાં આવ્યા હતા. ચંદ્રબાબુએ કેન્દ્રીય ચૂંટણી આયોગને પત્ર લખીને મતદાન રદ્દ કરવાની માગ કરી છે. BJP દ્વારા પણ હાલનું મતદાન રદ્દ કરીને નવેસરથી મતદાન યોજવાની માગ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ પ્રધાન ચિંતા મોહને મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીને મતદાનમાં આ ગંભીર ક્ષતિ માટે જવાબદાર ઠેરવીને તેમના રાજીનામાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details