કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના રાજ્ય મહાસચિવ અગ્નિમિત્રા પોલે તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે પંચાયત ચૂંટણી માટે નામાંકન ભરવા દરમિયાન થયેલી કથિત હિંસા અંગે પ્રહારો કર્યા હતા. આ દરમિયાન અગ્નિમિત્રા પોલે મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પદ પરથી રાજીનામું આપવા માંગ કરી હતી.
વિપક્ષી નેતાઓનો આરોપ: રાજ્યની સ્થિતિને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સરખાવતા તેમણે કહ્યું કે, જો કેન્દ્રીય દળો મોકલવામાં નહીં આવે તો રાજ્યમાં મોટા પાયે રક્તપાત થશે. આ મામલો પંચાયત ચૂંટણી માટે નામાંકન ભરવા દરમિયાન રાજ્યમાં કથિત હિંસાની ઘટનાઓથી સંબંધિત છે. ઘણા વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.
અમને નામાંકન માટે માત્ર 5-6 દિવસનો સમય મળ્યો છે. અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે તેની ચર્ચા થઈ નથી. અમે જાણીએ છીએ કે કોના કહેવા પર અન્યોની સલાહ લીધા વગર પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. અમે જોઈ રહ્યા છીએ કે ભાજપ અને અન્ય પક્ષોના કાર્યકરોને ઉમેદવારી નોંધાવવા દેવામાં આવી રહી નથી.--- અગ્નિમિત્રા પોલ (રાજ્ય મહાસચિવ,BJP)
મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ:બીજેપી નેતાએ કહ્યું કે, ડાયમંડ હાર્બર, જોયનગર, કેનિંગ, કાકદ્વિપ અને બર્ધમાનમાં બીજેપી કાર્યકરોને લોખંડના સળિયા વડે નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે. તેમણે રાજ્યની સ્થિતિની તુલના રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કરી છે. ભાજપના પ્રદેશ મહાસચિવે રાજ્યમાં ચાલી રહેલી અરાજકતાને લઈને મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ દિવસ માટે રાજ્યમાં મોટા પાયે દારૂગોળો એકત્ર કરવામાં આવ્યો છે. મમતા બેનર્જી પોલીસના પ્રધાન છે, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
કેન્દ્રીય દળ મોકલવા માંગ: અગ્નિમિત્રા પોલે કેન્દ્રીય ચૂંટણી પંચને રાજ્યમાં કેન્દ્રીય દળોને મોકલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જો આમ નહીં થાય તો તમામ રાજકીય પક્ષોના લોકો મોટી સંખ્યામાં માર્યા જશે. તેમણે કહ્યું કે, અહીં લોકતંત્રને કચડવામાં આવી રહ્યું છે. આ શરમજનક બાબત છે કે આપણે પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય સાથે સંબંધિત છીએ. દરમિયાન ભારતીય સેક્યુલર ફ્રન્ટ (ISF) નેતા અને ભાંગર ધારાસભ્ય નૌશાદ સિદ્દીકીએ પણ આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષી નેતાઓને નામાંકન ભરવાની મંજૂરી નથી આપવામાં આવી રહી.