- વ્હોટ્સએપ ચેટથી કંઈપણ વાંધાજનક નથી મળ્યું
- આરોપીઓએ ગુનો કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેના પુરાવા નહીં
- કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (bombay high court)ના જસ્ટિસ N.W. સાંબ્રેની એકલ ખંડપીઠે 28 ઓક્ટોબરે આર્યન ખાન (aryan khan), તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા (granted bail) હતા. વિગતવાર ઓર્ડરની નકલ શનિવારે આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી લેવામાં આવેલી વ્હોટ્સએપ ચેટ (aryan khan whatsapp chat)થી જાણવા મળે છે કે એવું કંઇપણ વાંધાજનક નથી મળ્યું, જે બતાવતું હોય કે તેણે, મર્ચન્ટ અને ધમેચા અને કેસના અન્ય આરોપીઓએ ગુનો કરવાનું ષડયંત્ર રચ્યું હોય.
આર્યનના નિવેદનને ફક્ત તપાસના હેતુ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે
તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે NDPS કાયદાની કલમ 67 હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા નોંધાયેલ આર્યન ખાનના કબૂલાતના નિવેદનને માત્ર તપાસના હેતુ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે અને આરોપીએ કોઈ ગુનો કર્યો છે તે નિષ્કર્ષ કાઢવા માટે તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકાતો નથી. 14 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'કોર્ટને સમજાવવા માટે રેકોર્ડ પર કોઈ સકારાત્મક પુરાવા નથી કે સમાન ઇરાદા ધરાવતા તમામ આરોપીઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે સંમત થયા છે.' કોર્ટે NCBની એ દલીલને ફગાવી દીધી હતી કે, તમામ આરોપીઓના કેસ એકસાથે વિચારવામાં આવે.
ફરિયાદી પક્ષે તબીબી તપાસ પણ કરી નથી
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય પહેલાથી જ લગભગ 25 દિવસ જેલમાં વિતાવી ચૂક્યા છે અને ફરિયાદી પક્ષે તેમની તબીબી તપાસ પણ કરી નથી કે તેઓ માદક દ્રવ્યોનું સેવન કરે છે કે નહીં. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આર્યન ખાન પાસેથી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી અને આ હકીકત પર કોઈ વિવાદ નથી. મર્ચન્ટ અને ધામેચા પાસેથી ગેરકાયદેસર નશીલા પદાર્થો મળી આવ્યા હતા, જેનો જથ્થો ખૂબ ઓછો હતો.