ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વૉટ્સએપની પ્રાઈવસી પૉલિસી મુદ્દે જાગ્યો વિવાદ - What’s ahead 2021

ટેક્સ્ટ મેસેજ સાદા હતા અને ઇન્ટરનેટના ડૅટા પેક બહુ મોંઘા હતા, ત્યારે આપણને સૌને વૉટ્સઅપનું ઘેલું લાગ્યું હતું. મેસેજ બોક્સમાં અંગત સંદેશા કરતાં જાહેરખબરોનો મારો વધારે થતો હતો. તે વખતે ફ્રી મેસેન્જર તરીકે વૉટ્સઅપે એવો દાવો કર્યો હતો કે, ‘તમારી પ્રાઇવસીનું સન્માન અમારા ડીએનએમાં છે. અમે વૉટ્સઅપનો પ્રારંભ કર્યો ત્યારથી જ પ્રાઇવસીના સિદ્ધાંતને મજબૂત રીતે અમારા મનમાં જડી લીધો છે.’ આવા દાવાના કારણે એસએમએસ સર્વિસની જગ્યાએ આપણે સૌ વૉટ્સઅપ વાપરતા થઈ ગયા હતા.

વૉટ્સએપ
વૉટ્સએપ

By

Published : Jan 18, 2021, 2:15 PM IST

Updated : Jan 18, 2021, 3:29 PM IST

હૈદરાબાદ :ટેક્સ્ટ મેસેજ સાદા હતા અને ઇન્ટરનેટના ડૅટા પેક બહુ મોંઘા હતા, ત્યારે આપણને સૌને વૉટ્સઅપનું ઘેલું લાગ્યું હતું. મેસેજ બોક્સમાં અંગત સંદેશા કરતાં જાહેરખબરોનો મારો વધારે થતો હતો. તે વખતે ફ્રી મેસેન્જર તરીકે વૉટ્સઅપે એવો દાવો કર્યો હતો કે, ‘તમારી પ્રાઇવસીનું સન્માન અમારા ડીએનએમાં છે.અમે વૉટ્સઅપનો પ્રારંભ કર્યો ત્યારથી જ પ્રાઇવસીના સિદ્ધાંતને મજબૂત રીતે અમારા મનમાં જડી લીધો છે.’ આવા દાવાના કારણે એસએમએસ સર્વિસની જગ્યાએ આપણે સૌ વૉટ્સઅપ વાપરતા થઈ ગયા હતા.

આ એવી પ્રેમ કહાણી છે, જેમાં ખટાશ આવી ગઈ છે!

કમનસીબે એક દાયકા પછી વૉટ્સઅપે પોતાની નવી નીતિમાં આખી વાત ફેરવી તોળી છે.

તેના કારણે ડૅટા પ્રાઇવસીના મુદ્દે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. આટલું ઓછું હોય તેમ વૉટ્સઅપે હવે યુઝર્સને જણાવ્યું કે “તમે વૉટ્સઅપ વાપરવાનું ચાલુ રાખવા માગતા હો તો તમારે આ અપડેટ સ્વીકારવી પડશે.” તેનો અર્થ એ થયો કે જે યુઝર આ શરતો સ્વીકારી લેશે તે પોતાની વિગતોની ખાનગીપણાનો હક ‘ફેસબૂક કંપનીઓ’ માટે ગુમાવી દેશે. શરતો ના સ્વીકારે તો 8 ફેબ્રુઆરી, 2021થી સેવા બંધ કરી દેવાની હતી. વિવાદ પછી જોકે વૉટ્સઅપે જાહેરાત કરી છે કે તે હાલમાં આ મોકૂફ રાખે છે.

વૉટ્સઅપની નવી નીતિથી શા માટે ચિંતા થવી જોઈએ

વૉટ્સઅપની નવી નીતિથી શા માટે ચિંતા થવી જોઈએ

'સાયબર સાથી'ના સ્થાપક અને સુપ્રીમ કોર્ટના ઍડવોકેટ એન. એસ. નપ્પીનાઇ યોગ્ય રીતે જણાવે છે કે, “માત્ર વૉટ્સઅપ નહિ, પણ સોશ્યલ નેટવર્કનું કે મેસેન્જર તરીકેનું અન્ય કોઈ પણ પ્લેટફોર્મ તેની પૉલિસી બદલે તેનાથી ઑલરેડી સર્વિસ લઈ રહેલા યુઝર્સને નુકસાન થઈ શકે છે. આ રીતે એકતરફી ફેરફાર કરી દેવા સામે કોઈ પણ યુઝર વિરોધ કરી શકે છે".

2014માં ફેસબૂક કંપનીએ વૉટ્સઅપને $19 અબજ ડૉલરમાં ખરીદી લીધી હતી. તે વખતે આ ખરીદી ટેક દુનિયાની સૌથી મૂલ્યવાન ખરીદી બની હતી. તે વખતે વૉટ્સઅપ હજી કમાણી પણ કરવા લાગ્યું નહોતું, આમ છતાં તેની પાસે વિશાળ સંખ્યામાં એટલે કે 45 કરોડ યુઝર્સ થઈ ગયા હતા એટલે આટલી ઊંચી કિંમત મળી હતી. તે વખતે પણ ઘણાનાં ભવાં આના કારણે ખેંચાયા હતા અને તે વખતે પણ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ફેસબૂક ડૅટા મોનૉપલી માટે પ્રયાસ કરી રહ્યું છે.

એ જ પ્રયાસોના ભાગરૂપે ફેસબૂકે વૉટ્સઅપની નીતિમાં ફેરફારો કર્યા અને ગ્રાહકોને મજબૂર કરવાની કોશિશ કરી છે. ફેસબૂક અત્યારે દુનિયાની સૌથી ચાર લોકપ્રિય એપ્સની માલિકી ધરાવે છે - ફેસબૂક, ફેસબૂક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઅપ.

ડૅટા બન્યો છે કિંમતી જણસ

21મી સદીમાં અને ડિજિટલ યુગમાં ડૅટા એટલે કે લોકોની વિગતો એ સૌથી કિંમતી, ક્રૂડ ઑઇલ જેવી જણસ બની છે. વાસ્તવિકતા એ છે કે દુનિયાની કેટલી મોટી કંપનીઓ જેમ કે ગૂગલ, ફેસબૂક અને એમેઝોન અત્યાર સૌથી વધુ લોકોના ડૅટા એકઠા કરવા પાછળ મચી પડી છે. પરંપરાગત રીતે બનતું હોય તેમ આવી ડૅટા મોનૉપલીને કારણે હાલમાં કોઈ મોંઘવારી કે ભાવવધારો ગ્રાહકો માટે આવ્યો નથી. તેનું કારણ એ કે મોટા ભાગે ડિજિટલ સર્વિસ મફત કે મફતના ભાવે અપાતી રહી છે. તેથી ગ્રાહકો ક્યારેય તે સર્વિસ આપનારી કંપનીની નીતિઓ કે પ્રવૃત્તિઓ માટે પરવા કરતા નથી. તેના કારણે ગ્રાહકોની વિગતોની ખાનગીપણા અને સલામતી સામે જોખમ ઊભું થયું છે. ગ્રાહકોના ભોગે ડૅટા મોનૉપલીનો ખેલ ચાલી રહ્યો છે.

ડૅટા એટલે કે વિગતોનું ખાનગીપણું

ગ્રાહકોની પોતાની માહિતી એટલે કે ડૅટાનું ખાનગીપણું કેટલું રહે તેનો આધાર યુઝર પોતે પોતાના વિશેની કેટલી માહિતી ઇન્ટરનેટ પર મૂકે છે કે શેર કરે છે તેના પર હોય છે. ગ્રાહકોની આ વિગતો એટલે તેમનું નામ, સરનામું, સંપર્કના નંબરો અને ઓનલાઇન કેવી રીતે તેમના અભિગમ વ્યક્ત થતા હોય છે તેનો સમાવેશ થાય છે.

વૉટ્સઅપની પૉલિસીમાં ફેરફાર અને ડૅટાનું ખાનગીપણું

ઇન્ટરનેટ સિક્યુરિટીના નિષ્ણાત અને Innefu Labsના સહસ્થાપક તરુણ વિગ કહે છે કે વૉટ્સઅપ તમારું એકાઉન્ટ ખોલો ત્યારે ફોનનું મૉડલ, ઑપરેટિંગ સોફ્ટવેર, ટાઇમ ઝોન, આઈપી એડ્રેસ, વૉટ્સઅપનો વપરાશ, વૉટ્સઅપના માધ્યમથી થયેલું પેમેન્ટ, પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો, સ્ટેટસ અપડેટ, ગ્રૂપની વિગતો, પ્રોફાઇલ પિક્ચર્સ અને છેલ્લે કરેલા અપડેટ સહિતની વિગતો એકઠી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત વૉટ્સઅપ પર ફાઇલ મોકલવામાં આવી હોય તે પણ કંપનીના સર્વરમાં સ્ટોર કરવામાં આવતી હોય છે. વૉટ્સઅપમાં થતી વાતચીત બે ગ્રાહકો વચ્ચે, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે અને કોલ કરવામાં આવ્યો હોય તેનો લોગ રાખવામાં આવતો નથી. પરંતુ જે ફાઇલ્સ મોકલવામાં આવી હોય તેનું શું તે વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આજના સમયમાં લગભગ દરેકનું પોતાનું વૉટ્સઅપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય છે. તેમાં મોકલવામાં આવતી મીડિયા ફાઇલ્સ સ્ટોર કરવામાં આવે છે. ફેસબૂક પર તે શેર કરવામાં આવે ત્યારે તેની વિગતો એકઠી કરવામાં આવતી હોય છે. ત્યાર બાદ તે બધી વિગતોનું અનૅલિસિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કરવામાં આવતું હોય છે. તેના આધારે યુઝર્સની વિગતો, તેના સ્વાસ્થ્યની વિગતો, પ્રોફેશનલ કામગીરી અને નોકરીની વિગતો, નેટ પર શું શું જોવામાં આવે છે તેની વિગતો, આર્થિક અને સ્થળોની આવનજાવનની વિગતો પણ તારવવામાં આવતી હોય છે. આવી બધી વિગતો બાદમાં થર્ટ પાર્ટી એટલે કે અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે, જેની ગ્રાહકોને કોઈ જાણ હોતી નથી. આ રીતે વૉટ્સઅપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર વિગતો આપસમાં શેર કરવામાં આવે ત્યારે ફેસબૂક કંપની પાસે વિગતોનો મોટો ખજાનો તૈયાર થઈ જાય, જે જોખમી બની શકે છે.

હાલના સમયમાં જ વૉટ્સઅપની કેટલીક ચેટ્સ જાહેરમાં લીક થઈ ગઈ છે. ગૂગલમાં આવી વિગતો સર્ચ કરવાથી મળતી જાય છે અને વિગતો સૌના ધ્યાનમાં આવી શકે છે. ગયા વર્ષે અમેરિકાના પત્રકારે એ બાબતમાં ધ્યાન દોર્યું હતું કે આવી વિગતો ગૂગલ પર લાંબો સમય સુધી રહે છે. જોકે આ વખતે આવી વિગતો તરત ડિલિટ કરી દેવામાં આવી હતી.

વિગતો ફરતી થઈ જાય તે કેટલી જોખમી

ભારતમાં મોબાઇલ ફોન વાપરનારા માટે વૉટ્સઅપ હાથવગું માધ્યમ બની ગયું છે ત્યારે વૉટ્સઅપની વિગતો શેર કરવાની નવી નીતિને કારણે યુઝર્સમાં ચિંતા વધી છે. “ડિજિટલ યુગમાં વિગતો ખાનગી રહેવાની વાત સંભવિત નથી એ વાત આપણે સ્વીકારી લેવી જોઈએ. ઘણી બધી વૅબસાઇટ્સ અને એપ્સ આપણી વિગતો એકઠું કરતા રહે છે. ઘણી વાર આવી કંપનીઓ બિનજરૂરી માહિતી પણ એકઠી કરતી રહે છે. ઘણી વાર તેમની સિસ્મટ પૂરતી સુરક્ષિત પણ હોતી નથી. તેના કારણે અંગત બાબતોની વિગતો સામે જોખમ ઊભું થાય છે,” એમ ઇન્ટરનેટ સિક્યુરિટીના સંશોધક રાજશેખર રાજહરિયા કહે છે.

ભારતમાં હવે શાળા દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંકલન માટે વૉટ્સઅપ ગ્રુપનો ઉપયોગ થવા લાગ્યો છે. સોસાયટીમાં પણ માહિતીની આપલે માટે ગ્રુપ બનેલું હોય છે. આ બધાના કારણે બાળકોની વિગતો, તે ક્યાં રહે છે, કઈ શાળામાં ભણે છે, કેવી તસવીરો પાડે છે વગેરે વિગતો ફેસબૂક જાણી શકે છે. આ બધી વિગતો કોઈ ત્રીજી કંપનીને આપવામાં આવે ત્યારે તે વિગતોનો દુરુપયોગ થવાનું જોખમ રહે છે.
આધાર કાર્ડ માટેનું ડિજિટલ કામકાજ થયું ત્યારે મોટા પ્રમાણમાં વિગતો લીક થઈ હતી. ભારતમાં ડૅટા લીકનો તે સૌથી મોટો બનાવ હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના ગ્લૉબલ રિસ્ક્સ રિપોર્ટ 2019માં આ જણાવાયું હતું.

વ્યક્તિગત વિગતોનો કેવી રીતે દુરુપયોગ થઈ શકે

અનેક રીતે વ્યક્તિગત વિગતોનો દુરુપયોગ થઈ શકે છે.

ગુનેગારો અંગત વિગતો મેળવીને હેરાનગતિ કરી શકે છે. ઓનલાઇન બ્લેકમેઇલિંગ અને સેક્સ્ટોર્શનના બનાવો આજકાલ વધી પડ્યા છે. આવા ઘણા ગુના ફેસબૂક પર બનતા હોય છે.

દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામના ‘Bois Locker Room’ ગ્રુપમાં વિગતો સોશ્યલ મીડિયામાં ફરતી થઈ જાય છે તેવું જોવા મળ્યું છે. Bois Locker Roomનું મોટું સ્કેન્ડલ બહાર આવ્યું હતું. દિલ્હીના કેટલાક છોકરાઓની ચેટ લીક થઈ ગઈ હતી. 3 મે, 2020ના રોજ એક સભ્યે ચેટ લીક કરી દીધી હતી. તેમાં 15 જેટલી કિશોરીઓની અશ્લિલ તસવીરો પણ હતી.

કંપનીઓ વિગતો એકઠી કરીને પછી જાહેરખબર એજન્સીઓ કે અન્ય કંપનીઓને વિગતો વેચી શકે છે. તેના કારણે યુઝર્સ પર બિનજરૂરી જાહેરખબરોનો મારો શરૂ થઈ જતો હોય છે.

યુઝર ક્યાં રહે છે, શું કરે છે તેની વિગતો જાહેર થઈ હોય ત્યારે તે મુક્તપણે પોતાના વિચારો પણ વ્યક્ત કરવા ગભરાય તેવું બની શકે છે.

વૉટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ ડૅટા પ્રાઇવસી સામે જોખમ છે

2018માં વૉટ્સઅપ બિઝનેસ શરૂ કરાયું હતું. સાથે જ ભારત અને બ્રાઝીલ જેવી તેની બે સૌથી મોટી બજારમાં પેમેન્ટ માટેની સર્વિસ શરૂ કરી હતી. તેનો અર્થ એ થયો કે આ સર્વિસ સાથે જોડાયેલા બિઝનેસ એકાઉન્ટને કદાચ તમારી ઘણી બધી વિગતો મળી હોય. તેના કારણે તમારી વિગતો ખાનગી રાખવી મુશ્કેલ બની જાય.

ડૅટા પ્રોટેક્શન માટેના કાયદાઓ

યુરોપિયન યુનિયને જનરલ ડૅટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) અપનાવ્યું છે, જેથી યુરોપના નાગરિકોની વિગતોના ખાનગીપણાનો હક જળવાઈ રહે. આ નિયમોનો ભંગ થાય તો કંપનીને તેની આવકના 4 ટકા સુધીનો દંડ થઈ શકે છે. ભારતમાં વિગતોની સુરક્ષા માટેનો આ વો કોઈ કાયદો નથી. જોકે આઈટી ઍક્ટ (2000)માં કલમ 43A અને કલમ 72A જોડવામાં આવી છે, જેથી હવે અયોગ્ય રીતે વિગતો કોઈને આપવામાં આવી હોય તો વળતર માગવાનો હક મળે છે.

વૉટ્સઅપના સારા વિકલ્પો કયા છે

સંદેશા માટે Line, Telegram, Viber અને Twitterના ડાયરેક્ટ મેસેજ જેવી એપ્સ છે. જોકે સૌથી વધુ ફિચર્સ સરખાવી શકાય તેવી એપ Signal હાલમાં ચર્ચામાં છે. આ એપ્સ વિગતોના ખાનગીપણાની બાબતમાં બધી એપ્સ કરતાં સારી છે. હાલના સમયમાં વૉટ્સઅપના વિકલ્પ તરીકે સૌથી લોકપ્રિય એપ તરીકે Signal પ્રચલિત બની છે.

જાન્યુઆરી 2021ના પ્રથમ બે અઠવાડિયામાં Signal એપ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. તે વખતે વૉટ્સઅપના 1.7 મિલિયન, અને ફેસબૂકના 2.1 મિલિયન અને ઇન્સ્ટાગ્રામના 2.3 મિલિયન ડાઉનલોડ સામે સૌથી 3.3 મિલિયન ડાઉનલોડ Signalના થયા હતા.

Signal એપ ઓપન સોર્સ કોડ આધારિત છે અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ધરાવે છે. સાથે જ Signal આ પ્લેટફોર્મ થતી વાતચીત અને ચેટની પ્રાઇવસી જાળવી રાખે છે. તેનું સંચાલન એનજીઓ તરીકે નોંધાયેલું Signal Foundation કરે છે. મુક્તપણે અભિપ્રાય વ્યક્ત કરવા અને સલામત રીતે સંદેશવ્યવહાર કરવાની બાબતને સમર્થન માટે આ એપ છે, એમ સાયબર એક્સપર્ટ ડૉ. પ્રશાંત માલી કહે છે. નફાના હેતુ સાથે કામ કરતી Telegramની સુરક્ષાની બાબતમાં કેટલાક સવાલો છે અને તેના કારણે કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ છે. ભારતમાં પણ ઘણા ISP તેને બ્લોક કરે છે.

આગળ શું થઈ શકે

ભારતમાં જ્યાં સુધી વિગતોના ખાનગીપણા માટેનો કડક કાયદો ના આવે ત્યાં સુધી આપણે કેટલીક બાબતોની કાળજી લેવી જોઈએ:

કોઈ એપ ઇન્સ્ટોલ કરો ત્યારે કેવી કેવી બાબતોની મંજૂરી આપો છો તે ખાસ જોઈ લેવું જોઈએ.

ઘણી વાર આપણે આપમેળે ઓટીપી રીડ કરવાની મંજૂરી આપીએ છીએ. બાદમાં તે મંજૂરીને રદ કરવાનું ભૂલી જઈએ છીએ. આ બાબતમાં સાવધાની રાખીને OTP આપમેળે નાખી દેવામાં આવે તેની મંજૂરી ના આપવી.

ફોનના સેટિંગ્ઝ નિયમિત સમયે ચકાસી લેવા જોઈએ અને આવી એપ્સને દૂર કરવી જોઈએ. ના વપરાતી હોય તેવી એપ્સને દૂર કરી દેવી જોઈએ અથવા માત્ર કોન્ટેક્ટ અને સ્ટોરેજની જ પરમીશન રાખવી જોઈએ.

ખાસ કરીને કેમેરા અને માઇક્રોફોનની પરમીશન હોય તેવી એપ્સની બાબતમાં આ કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત કોઈ એપ લાંબો સમય વાપર્યા ના કરવી જોઈએ.

વૉટ્સઅપમાં આગળ શું થશે તે જોવાનું રહેશે અને તે વાપરવી કે નહિ તેનો નિર્ણય જાતે કરવાનો છે. પરંતુ કમસે કમ નાણાકીય વિગતો, લોગઇન વિગતો, પાસવર્ડ અને બીજી જરૂરી વિગતો તેના પર ક્યારેય મોકલવી જોઈએ નહિ.

-સુદેષ્ના નાથ, ઈટીવી ભારત

Last Updated : Jan 18, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details