- દેશમાં કોરોનાનો કહેર યથાવત
- હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત
- ઔદ્યોગિક એકમોને ઓક્સિજનની સપ્લાય બંધ કરાઇ
હૈદરાબાદ (તેલંગાણા): ભારતમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે અનિયંત્રિત થઈ રહી છે અને સંક્રમિતોની સંખ્યાના નવા રેકોર્ડ બની રહ્યા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં શામેલ છે. કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને કારણે ઓક્સિજનની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ઓક્સિજન સિલિન્ડરની કમીને દૂર કરી શકાયું નથી. પરિસ્થિતિને અનિયંત્રિત જોઈને કેન્દ્ર સરકારે ઓક્સિજનનો વપરાશ કરનારા ઉદ્યોગોની મદદ માગી છે. ઉદ્યોગોના ઓક્સિજન સપ્લાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે
કન્દ્રીય ગૃહ સચિવનો રાજ્યોને પત્ર
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું હતુ કે, જો ખૂબ જરૂરી ન હોય તો ઔદ્યોગિક કાર્યો માટે ઓક્સિજનની સપ્લાય બંધ કરો. ફક્ત તાત્કાલિક સેવાઓ માટે ઓક્સિજન સપ્લાયને મંજૂરી આપો. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબા મેડિકલ ઓક્સિજનના મુદ્દે ચર્ચા કરવા મુખ્ય સચિવો અને 10 રાજ્યો તથા દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓની બેઠક કરી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, કર્ણાટક અને દિલ્હીના મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. ઓક્સિજન વહન માટે રેલ્વે એક વિશેષ કાર્ગો ટ્રેન ચલાવી રહી છે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના ઝડપી સંચાલન માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્રની અપીલ પર કંપનીઓએ ઓક્સિજનનું ઉત્પાદન વધાર્યું
ટાટા સ્ટીલ, JSPL, આર્સેલર મિત્તલ સહિતની અનેક ખાનગી કંપનીઓએ કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના સપ્લાયમાં સહકાર આપવાની જાહેરાત કરી છે. ટાટા સ્ટીલે 200થી 300 ટન લિક્વિડ ઓક્સિજનની સપ્લાય શરૂ કરી દીધી છે. JSPL તેના અંગુલ (ઓડિશા) અને રાયગ (છત્તીસગઢ) ફેક્ટરીઓમાંથી 50થી 100 ટન ઓક્સિજન સપ્લાય કરે છે. રાજ્ય સંચાલિત કંપની સેલ, કોવિડ દર્દીઓની સારવાર માટે તેના એકીકૃત સ્ટીલ પ્લાન્ટ બોકારો (ઝારખંડ), ભીલાઇ (છત્તીસગઢ), રાઉરકેલા (ઓડિશા), દુર્ગાપુર અને બર્નપુર (પશ્ચિમ બંગાળ)માંથી 99.7% શુદ્ધ ઓક્સિજન સપ્લાય કરે છે.
આ પણ વાંચોઃ દિલ્હી સરકારનો રેલવે બોર્ડને પત્ર, ટ્રેન કોચમાં ઓક્સિજન સુવિધા ધરાવતા 5000 બેડ તૈયાર કરી આપો
ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રોને દરરોજ 200 ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે
આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઇન્ડિયા લિ. (AMNS ઈન્ડિયા)એ જણાવ્યું હતુ કે, તે ગુજરાતમાં આરોગ્ય કેન્દ્રોને દરરોજ 200 ટન ઓક્સિજન સપ્લાય કરે છે. સ્ટીલ મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્ટીલ ફેક્ટરીઓમાં 28 ઓક્સિજન પ્લાન્ટ છે. આ પ્લાન્ટ જાહેર અને ખાનગી ક્ષેત્રમાં સ્થિત છે, જે દરરોજ 1,500 ટન તબીબી ઓક્સિજન સપ્લાય કરે છે. સહકારી ક્ષેત્રની ખાતર કંપની ઇફ્કોએ જણાવ્યું હતું કે તે 30 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઓડિશામાં ચાર મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે અને તેને હોસ્પિટલોમાં મફત સપ્લાય કરવામાં આવશે. આ પ્લાન્ટ કાલોલ (ગુજરાત), આમલા, ફુલપુર (ઉત્તર પ્રદેશ) અને પારાદિપ (ઓડિશા)માં સ્થાપવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને શું કહ્યું?
કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે, રેમેડેસીવીર ઇન્જેક્શનના ઉત્પાદનને બમણું કરવા, અવિરત ઓક્સિજનની સપ્લાય કરવા અને કોવિડ-19 રસી પૂરી પાડવા તેમજ આરોગ્ય માળખાગત સુવિધામાં વધારો કરવા રાજ્યોને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, આરોગ્ય કેન્દ્રોમાં PSAના 162 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું કામ ચાલી રહ્યું છે અને 24 કલાકનો સેલ રાજ્યો સાથે સંકલન કરી રહ્યું છે. PSA પ્લાન્ટ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને હોસ્પિટલોને તબીબી ઓક્સિજનની આવશ્યકતાની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે. તેઓ તબીબી ઓક્સિજનના પુરવઠા માટે રાષ્ટ્રીય ગ્રિડ પરનો ભાર પણ ઘટાડશે.
જરૂર પડે તો ઓક્સિજનની આયાત પણ કરવામાં આવશે
આરોગ્ય મંત્રાલયે 50,000 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની આયાત કરવા માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો છે.