ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્ત્વની છે કે પછી બાંગ્લાદેશની મુલાકાત? - Two-day visit to Bangladesh

આઠ તબક્કે પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં પ્રથમ તબક્કાનું મતદાન થાય તેના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે જવાના છે. બાંગ્લાદેશની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે બે દિવસના કાર્યક્રમોનું આયોજન થયું છે તેમાં મોદી ભાગ લેવાના છે. આ સાથે જ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની એકસોમી જયંતિની પણ ઉજવણી થઈ રહી છે.

VANCHAN VISHESH
VANCHAN VISHESH

By

Published : Mar 25, 2021, 1:08 PM IST

  • પશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્ત્વની છે કે પછી બાંગ્લાદેશની મુલાકાત?

આઠ તબક્કે પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં પ્રથમ તબક્કાનું મતદાન થાય તેના એક દિવસ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે જવાના છે. બાંગ્લાદેશની સ્વતંત્રતાની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે બે દિવસના કાર્યક્રમોનું આયોજન થયું છે તેમાં મોદી ભાગ લેવાના છે. આ સાથે જ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની એકસોમી જયંતિની પણ ઉજવણી થઈ રહી છે.

ન્યૂઝ ડેસ્ક : કોરોના રોગચાળો ફેલાયો તેના એક વર્ષ પછી વડાપ્રધાન વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે તે પણ મહત્ત્વનું છે. સાથે જ એટલા માટે પણ આ મુલાકાતનું મહત્ત્વ છે કેમ કે બંને દેશો વચ્ચે હજીય ઘણા મુદ્દાઓ છે. સરહદે ઘૂસણખોરી, દ્વિપક્ષી વેપાર મુદ્દે વિખવાદ, તિસ્તા નદીના જળની વહેંચણી વગેરે મુદ્દાઓ ઊભા જ છે. સાથે જ બાંગ્લાદેશ ચીનના બેલ્ડ એન્ડ રૉડ ઇનિશિયેટિવ (BRI)માં બાંગ્લાદેશ જોડાઈ રહ્યું છે તેના કારણે પણ નવી દિલ્હી ચિંતામાં છે.

આ બધા કરતાંય પીએમ મોદી 27 માર્ચે ઢાકા પહોંચશે ત્યારે ભારતમાં પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું હશે. તે રીતે પણ આ યોગાનુયોગ છે. બીજું કે તેઓ ઢાકાના પડોશી જિલ્લાઓ સતખીરા અને ગોપાલગંજની પણ મુલાકાત લેવાના છે. સતખીરા જિલ્લાના ઇશ્વરીપુરમાં આવેલા જેરોરેશ્વરી માતાના મંદિરે તેઓ દર્શન કરવા જવાના છે. તે પછી ગોપાલગંજ જિલ્લાના ઓરાકાન્ડીના એક મંદિરમાં પણ દર્શને જશે. જેરોરેશ્વરી મંદિર બાંગ્લાદેશનું પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે અને હજારો ભક્તો ત્યાં દર્શને આવે છે. પરંતુ ઓરાકાન્ડીના મંદિરે શા માટે? તેનું શું મહત્ત્વ છે?

ઓરાકાન્ડી મંદિર હરિચંદ ઠાકુરનું જન્મ સ્થાન છે. હરિચંદ ઠાકુર એટલે મતુઆ સમાજના નેતા. ભાગલા પછી હરિચંદ ભારત આવ્યા હતા અને તેમણે બંગાળમાં રહીને તે વખતના અસ્પૃશ્યોના ઉદ્ધાર માટે કામ કર્યું હતું. તેમણે મતુઆ પંથની સ્થાપના કરી હતી, જે નામશુદ્ર સમુદાય અથવા તો દલિત સમાજનો અગત્યનો સંપ્રદાય છે. હરિચંદના અવસાન બાદ તેમના એક પુત્ર ગુરુચંદ ઠાકુરે ગાદી સંભાળી હતી. તેમણે મતુઆ સમાજને એક કરીને પંથને વધારે સંગઠિત કર્યો હતો.

આના પરથી સમજી શકાય છે કે પીએમ મોદી શા માટે મતુઆ સંપ્રદાયના સૌથી અગત્યના સ્થળની મુલાકાત લઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં આજેય 2.5 કરોડ લોકો એવા છે, જે બાંગ્લાદેશથી હિજરત કરીને આવ્યા હતા. તેમાંથી એક કરોડથી વધુ લોકો મતુઆ સમાજના છે. ભાજપ આ મતો પર મોટો મદાર રાખી રહ્યો છે.

એ પણ યાદ રાખવું જરૂરી છે કે બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં જ સૌથી વધુ હિન્દુ હિજરતીઓ આવીને વસ્યા હતા. 1971 પછી ભારત આવેલા મોટા ભાગના મતુઆ લોકો લગભગ 30 જેટલી બેઠકોમાં નિર્ણાયક મતદારો છે. ભાજપ હોય કે ટીએમસી કે પછી કોંગ્રેસ-ડાબેરી મોરચો, કોઈ આ મતદારોની અવગણના કરી શકે નહીં.

લોકસભાની ચૂંટણી વખતે બોન્ગાવ અને રાણાઘાટ બંને બેઠકો ભાજપ ટીએમસી સામે જીત્યું હતું. આ બંને બેઠકો પર મતુઆ મતદારોની સંખ્યા મોટી છે.

આ પણ વાંચો :મમતા વિરુદ્ધ શુભેન્દુ વિરુદ્ધ મિનાક્ષી – નંદીગ્રામની 70-30 ફોર્મ્યુલા

ભારત સરકારે સિટિઝનશીપ એમેન્ટમેન્ટ ખરડો લોકસભામાં પસાર કરીને કાયદો બનાવ્યો છે, પણ તે વાતને 15 મહિના થઈ ગયા પછીય તેના નિયમો ઘડવામાં આવ્યા નથી. તેના કારણે નાગરિકત્વ મેળવવા માગતા મતુઆ સમાજના લોકો અકળાઈ રહ્યા છે.

બીજા બાજુ તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી માટે પણ મતુઆ મતદારો અગત્યના છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે ટક્કર લઈ રહેલા મમતા બેનરજી બધા જ પ્રયાસો કરી રહ્યા છે કે મતુઆ સમાજનો ટેકો તેમને મળતો રહે. 2016માં મતુઆ સમાજમાં મમતા બેનરજીને સમર્થન મળ્યું હતું. આવા સંજોગોમાં મતુઆ માટે સન્માનીય એવા હરિચંદના જન્મસ્થાન ઓરાન્ડીની મુલાકાત નરેન્દ્ર મોદી લે તેનાથી ચૂંટણીમાં શું પડઘા પડી શકે છે તેનાથી મમતા બેનરજી સારી રીતે વાકેફ છે.

પીએમની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન કૉમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (CEPA) વિશે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. આ કરાર થાય તો બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર મજબૂત બની શકે છે. જોકે તે કરાર કરતાંય સૌની નજર ઓરાકાન્ડી મંદિરમાં પીએમ મોદીના દર્શન અને તેની અસર મતુઆ સમાજના મતદારોમાં શું થાય છે તેના પર જ છે.

આ પણ વાંચો :પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે

ABOUT THE AUTHOR

...view details