ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Women Reservation Bill : સંસદમાં મહિલા અનામત બિલની શરુઆતથી અંત સુધીની સફર, જુઓ આ અહેવાલમાં... - અટલ બિહારી વાજપેયી

આ પ્રથમવાર નથી કે મહિલા અનામત બિલ પાસ કરાવવા અંગે પ્રયાસો થઈ રહ્યા છે. મહિલા અનામત બિલ અગાઉ ઘણીવાર સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ કોઈને કોઈ કારણોસર બિલ પેન્ડિંગ રહ્યું હતું. એકવાર તો સંસદમાં બિલની નકલ પણ ફાડી નાખવામાં આવી હતી. તો જુઓ મહિલા અનામત બિલની શરુઆતથી અંત સુધીની સફર ETV BHARAT ના વિશેષ અહેવાલમાં...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:43 PM IST

નવી દિલ્હી : સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે ઘણા સમયથી પ્રયાસો થઈ રહ્યા છે. આ અંગે તમામ રાજકીય પક્ષો સહમત છે, તેમ છતાં આ ધ્યેયને સફળતા મળી નથી. જોકે, અનામતને લઈને કેટલાક મતભેદ પણ છે. જેના પર વારંવાર વિવાદો ઉભા થયા છે. ઉપરાંત બેઠકોનું રોટેશન કેવી રીતે થશે તે અંગે અલગ-અલગ પક્ષોના મત અલગ-અલગ છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ મહિલા અનામતને લઈને મોટું પગલું ભર્યું છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. ત્યારે આ નિર્ણય મોટો મુદ્દો બની શકે છે. ભાજપ દ્વારા આ બિલ અંગે લેવામાં આવેલા નિર્ણય માટે કદાચ આ જ કારણ છે. ત્યારે આવો જોઈએ મહિલા અનામત બિલ અંગે અગાઉ કેટલી વાર પ્રયાસ કરવામાં આવ્યા હતા.

મહિલા અનામતનો વિચાર : મહિલા અનામતને લઈને સૌથી મોટો નિર્ણય રાજીવ ગાંધીની સરકારે લીધો હતો. તેમણે 1989 માં પંચાયતી રાજ અને તમામ નગરપાલિકાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવા માટે બંધારણીય સુધારો બિલ રજૂ કર્યું હતું. જોકે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. ત્યારબાદ પી.વી. નરસિંહરાવ સરકારના સમયમાં આ બિલ લાવવામાં આવ્યું અને તેને લાગુ કરવામાં આવ્યું હતું.

વિરોધ શા માટે : 12 સપ્ટેમ્બર, 1996 ના રોજ દેવેગૌડા સરકારે બિલ રજૂ કર્યું હતું. તે સમયે કેટલાક સાંસદોએ વિરોધ કર્યો હતો. તેમનો આધાર ઓબીસી અનામત હતો. તેઓ ઈચ્છતા હતા કે આ અનામતની અંદર ઓબીસીને અનામત આપવામાં આવે. જોકે, આ અંગે સર્વસંમતિ થઈ શકી નહી. આ બિલ પર વિચારણા કરવા માટે સ્થાયી સમિતિએ તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. તે સમિતિમાં સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, મમતા બેનર્જી, નીતિશ કુમાર અને શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓ હતા. આ સમિતિનું નેતૃત્વ સીપીઆઈ નેતા ગીતા મુખર્જીએ કર્યું હતું.

સંસદમાં બિલ ફાડ્યું : આઈકે ગુજરાલ સરકારે આ બિલ પર વિચાર કર્યો હતો. તેમના સમયમાં પણ આ જ મુદ્દો ઉભો થયો અને એવું કહેવામાં આવ્યું હતું કે, એસસી અને એસટીને અનામત મળશે પરંતુ ઓબીસી મહિલાઓને કેમ નહીં. આઈકે ગુજરાલ પછી અટલ બિહારી વાજપેયીની સરકારે આ બિલ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ પણ તેમાં સફળ થઈ શક્યા નહીં. કાયદા પ્રધાન થંબી દુરાઈ સંસદમાં બિલ રજૂ કરવા પહોંચ્યા હતા. ત્યારે અચાનક આરજેડી સાંસદ સુરેન્દ્ર યાદવે તેમના હાથમાંથી બિલ છીનવી લીધું હતું. આરજેડીના બીજા સાંસદ અજીત કુમાર મહેતાએ તે બિલની કોપી ફાડી નાખી હતી.

વાજપેયી સરકારનો પ્રયાસ : વાજપેયી સરકારે બીજો પ્રયાસ કર્યો ત્યારે સમાજવાદી પાર્ટીએ આ બિલ અટકાવી દીધું. ત્યારે સાંસદ મમતા બેનર્જીએ સપાના સાંસદ દરોગા પ્રસાદ સરોજનો કોલર પકડી લીધો હતો. તે ઈચ્છતી હતી કે કોઈ પણ SP સાંસદ બિલનો વિરોધ કરવા માટે સ્પીકરનો સંપર્ક ન કરે. ત્યારે પણ આરજેડી અને સપાએ બિલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

ચૂંટણી કમિશનરની ફોર્મ્યુલા : અટલ બિહારી વાજપેયી પછી યુપીએના સમયમાં પણ પ્રયાસો થયા હતા. આ બિલ 2010માં રાજ્યસભામાં પણ પસાર થયું હતું. પરંતુ લોકસભામાં સાંસદોના વિરોધને કારણે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. આ સમયે મુખ્ય ચૂંટણી કમિશનર એમએસ ગીલે એક ફોર્મ્યુલા આપી હતી. તેમના મતે રાજકીય પક્ષો માટે લોકસભા અને વિધાનસભા માટે ઓછામાં ઓછી ટકાવારી મહિલા ઉમેદવારો ઉભા કરવા ફરજિયાત હોવા જોઈએ. ભાજપે આ વાતને ઘોષણાપત્રમાં સ્થાન આપ્યું અને 2019ના મેનિફેસ્ટોમાં પણ આ સંક્લપનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. 2014માં પણ આ અંગે એક સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શું છે સ્થિતિ : દેશમાં કુલ 91 કરોડ મતદારો છે. તેમાંથી 44 કરોડ મતદારો મહિલાઓ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 67 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. 12 રાજ્યોમાં મહિલાઓએ પુરૂષો કરતાં વધુ સંખ્યામાં મતદાન કર્યું હતું. આ 12 રાજ્યોમાં લોકસભાની 200 બેઠકો છે. હાલની પરિસ્થિતિ મુજબ જો મહિલા અનામત બિલ પસાર થશે તો 160 બેઠકો પર સ્થિતિ બદલાઈ જશે. ચૂંટણી વિશ્લેષકોનું કહેવું છે કે, 2019માં ભાજપને 37 ટકા વોટ મળ્યા હતા. જે મહિલાઓએ મતદાન કર્યું હતું તેમાંથી ભાજપને 36 ટકા વોટ મળ્યા હતા. ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતમાંથી ભાજપને સૌથી વધુ 64 ટકા મહિલાઓના મત મળ્યા છે. યુપી, બિહાર, ઓડિશા અને આસામની મહિલાઓએ મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યો હતો.

  1. Women Reservation Bill : લાંબા સમયથી અટવાયેલા મહિલા અનામત બિલના વિરોધી કોણ છે અને શા માટે, જાણો આ અહેવાલમાં...
  2. Sonia Gandhi on Women's Reservation Bill: મહિલા આરક્ષણ વિધેયકને સોનિયા ગાંધીએ કૉંગ્રેસ પક્ષનું ગણાવ્યું

ABOUT THE AUTHOR

...view details