ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Inflation Updates: આ વર્ષે ખાંડમાં ભાવવધારો નાગરિકોના દાંત ખાટા કરી નાંખશે - બ્રાઝિલ

ભારતનો દરેક નાગરિક વર્ગ એક સામાન્ય સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આ વર્ગ નાનો હોય કે મોટો, અમીર હોય કે ગરીબ, અગ્રણી હોય કે પછાત પણ દરેક વર્ગ એક સામાન્ય સમસ્યાનો સામનો કરી રહ્યો છે. દરેક વર્ગને પીડા આપતી આ સામાન્ય સમસ્યા એટલે મોંઘવારી. મોંઘવારીનો ડામ ભારતીયોના કાળજે કારમા ઘા સમાન વાગી રહ્યો છે. જો ખોરાકની વાત કરવામાં આવે તો ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારતના દરેક ઘરની દરેક ગૃહિણીનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. આવામાં ઓગસ્ટમાં ઓછા વરસાદને પરિણામે ભારતમાં શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે. શેરડીનું વધુ ઉત્પાદન કરતા મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં આ વર્ષે 14 ટકા ઓછુ ઉત્પાદન થયું છે. શેરડીનું ઉત્પાદન ઘટતા ભારત સરકારે ખાંડના નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. સાત વર્ષમાં પ્રથમ વખત ખાંડના નિકાસ પર પ્રતિબંધ લાગ્યો છે.

ખાંડમાં ભાવવધારો નાગરિકોના દાંત ખાટા કરી નાંખશે
ખાંડમાં ભાવવધારો નાગરિકોના દાંત ખાટા કરી નાંખશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 12:39 PM IST

નવી દિલ્હીઃ નિષ્ણાતોના મતે આ વર્ષનું ચોમાસુ અને બિપરજોયને લીધે ભારતીય કૃષિમાં ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો થયો છે. જેના પરિણામે ખાંડનું ઉત્પાદન ઘટતા તેના ભાવમાં ગયા વર્ષ કરતા 30 ટકા જેટલો વધારો થયો છે. કોમોડિટી બજારમાં ખાંડ પર સટ્ટો રમતા લોકો પણ સાવધાની વર્તી રહ્યા છે.

બ્રાઝિલ ખાંડ ઉત્પાદનમાં અગ્રણીઃ વૈશ્વિક સ્તરે ખાંડના ઉત્પાદનમાં બ્રાઝિલ અગ્રણી છે. બ્રાઝિલમાં ખાંડના ઉત્પાદનમાં આ વર્ષે 6.5 ટકાના વધારાની આગાહી છે. જો કે કેટલી ખાંડ આંતરરાષ્ટ્રીય બજારમાં આવશે તેનું અનુમાન લગાડવું મુશ્કેલ છે, કારણ કે બ્રાઝિલ બાયોફ્યુઅલ અને ઈથેનોલના ઉત્પાદનમાં સક્રિય છે. નવી દિલ્હીમાં G-20માં ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ માટે બ્રાઝિલ પ્રતિબદ્ધ છે. યુએસ અને બ્રાઝિલ વચ્ચે ઘનિષ્ટતા છે, આ ઘનિષ્ટતાને પરિણામે બ્રાઝિલ બાયોફ્યુઅલ ઉદ્યોગ પર વધુ ધ્યાન આપી શકે છે.

બ્રાઝિલની હરિફાઈ ઘટીઃ બ્રાઝિલ તેના કાયમી આંતરરાષ્ટ્રીય ગ્રાહક દેશો ઉપરાંત રશિયા, ઈરાન અને આફ્રિકન દેશોમાં રો સુગરની નિકાસ પણ કરે છે. હવે ભારતે ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે જેનો સીધો ફાયદો બ્રાઝિલ ઉઠાવી શકે તેમ છે. થાઈલેન્ડ પણ ખાંડની નિકાસ કરે છે પરંતુ આ વર્ષનું ચોમાસુ તેના માટે પણ એક સમસ્યા બનીને જ આવ્યું હતું. તેથી બ્રાઝિલ માટે ખાંડની નિકાસમાં હરિફાઈ ઘટી રહી છે. ભારતની ખાંડ આયાત કરતા દેશો બ્રાઝિલમાંથી ખાંડની આયાત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. કોમોડિટી બજારમાં સટોડિયા માટે ખાંડ ભવિષ્યમાં મહત્વનું ઘટક સાબિત થશે.

સરકારના નિર્ણયોઃ ખાંડની અછત અને ભાવ વધારાને કાબુમાં લેવા માટે સરકારે ખાંડની નિકાસ પર ઉતાવળમાં પ્રતિબંધ લાદી દીધો. આ ઉતાવળીયો નિર્ણય ખાદ્ય કટોકટીને પહોંચી વળવામાં સરકારની અસર્મથતા જાહેર કરે છે. તાજેતરમાં જ દેશએ આવી જ એક ખાદ્ય કટોકટી ટામેટામાં અનુભવી હતી. ટામેટાના ભાવ આસમાને જતા સરકારે મેદાનમાં આવવું પડ્યું અને ટામેટાના ભાવને અંકુશમાં લેવા પડ્યા. ખાંડ મુદ્દે ટામેટા જેવું ન થાય તે માટે સરકારે ખાંડ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાદવા ઉપરાંત અનેક બીજા પગલા ભર્યા છે. જેમાં રિટેલર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ, હોલસેલર્સ માટે ખાંડની સ્ટોકિંગ મર્યાદા જાહેર કરવી ફરજિયાત કરવામાં આવી છે. હવે દર સોમવારે ખાંડના સ્ટોકની માહિતી સરકારી પોર્ટલ પર જણાવવી પડશે. ખાંડની સંગ્રહાખોરી અને કાળાબજાર અટકાવવા સરકાર આ પગલા ભરી રહી છે.

ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સઃ અહીં ભારત બે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એક છે સ્થાનિક કૃષિ સમસ્યાઓ અને બીજી છે આંતરરાષ્ટ્રીય બાયોફ્યુઅલ ક્ષેત્રે ભારતનું યોગદાન. ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં ભારત અગ્રેસર છે. આ સ્થિતિ ટકાવી રાખવા માટે ભારતે બાયોફ્યુઅલ ઉદ્યોગમાં મજબૂત દાવેદારી નોંધાવી પડે તેમ છે. જો ભારત પાસે મજબૂત બાયોફ્યુઅલ ઉદ્યોગ નહીં હોય તો મોટા ઈન્વેસ્ટર્સ માર્કેટમાંથી પોતાનું ઈન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી લે તેવી શક્યતાઓ છે. શેરડીના પુષ્કળ માત્રામાં ઉત્પાદન વિના બાયોફ્યુઅલ ક્ષેત્રે અગ્રેસર બનવું લગભગ અશક્ય છે.

નાગરિકો માટે કમ્મર તોડ ફટકોઃ હવે, ભારતના નાગરિકોને પીડતી સમસ્યાની વાત કરીએ તો, ખાંડના ભાવમાં વધારો એ નાગરિકો પર કમ્મરતોડ ફટકો છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ખાંડ ભારતના દરેક પરિવારની થાળીનું મુખ્ય ઘટક છે. નાગરિકો પહેલેથી જ ફ્યુઅલ પ્રાઈસ હાઈક, શાકભાજી-ફળોમાં ભાવ વૃદ્ધિ, દૂધ-કરિયાણામાં મોંઘવારી જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ કિસ્સામાં ખાંડનો ભાવ વધતા નાગરિકોની કેડો ભાંગી જવાની છે. સરકારે શેરડી પકવતા ખેડૂતોને યોગ્ય એમએસપી આપવી જ પડશે. હાલ સરકાર અને નાગરિકો બંને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સાચે જ મોંઘવારીએ નાગરિકો અને સરકારના દાંત ખાટા કરી નાંખ્યા છે.

  1. Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી
  2. શેરડીનું વાવેતર ઘટ્યું, દમણગંગા સુગર ફેકટ્રી સાથે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવા ખેડૂતોની માગ

ABOUT THE AUTHOR

...view details