મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે ઈન્કમટેક્સ વિભાગ (Bombay High Court) દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને બ્લેક મની એક્ટ હેઠળ મોકલવામાં આવેલી કારણ બતાવો નોટિસ અને દંડની માગણી પરના કામચલાઉ સ્ટેને આગળના આદેશ સુધી લંબાવ્યો છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે નોટિસ અને દંડને પડકારતી અંબાણીની અરજી પર આગામી સુનાવણી 28 એપ્રિલે નક્કી કરતી વખતે આવકવેરા વિભાગને તેનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો.
વચગાળાનો સ્ટે: સપ્ટેમ્બર 2022 માં હાઇકોર્ટે (Bombay High Court) કારણ બતાવો નોટિસ પર સુનાવણી બાકી હતી તેના પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. આ વર્ષે માર્ચમાં અંબાણીના વકીલ રફીક દાદાએ કોર્ટને જણાવ્યું હતું કે વિભાગે પાછળથી તેમના અસીલને દંડની માંગ કરતી નોટિસ પણ મોકલી હતી. આ પછી કોર્ટે ડિમાન્ડ નોટિસ પર વચગાળાનો સ્ટે પણ મુક્યો હતો. બુધવારે સુનાવણી શરૂ થયા પછી, આવકવેરા વિભાગ તરફથી હાજર રહેલા એડવોકેટ અખિલેશ્વર શર્માએ સુધારેલી અરજીના જવાબમાં 'વ્યાપક એફિડેવિટ' દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો.