હૈદરાબાદઃ જ્યુબિલી હિલ્સના કૉંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ અઝહરુદ્દીને મતદાન કર્યુ છે. અઝહરુદ્દીને તેલંગાણામાં લોકશાહીને સ્થાપવા માટે મતદાન કરવા માટે અપીલ કરી છે. તેલંગાણામાં ગુરુવારે સવાર 7 કલાકથી 119 વિધાનસભા બેઠકો પર મતદાન શરુ થયું છે.
અઝહરુદ્દીને જણાવ્યું કે તમે લોકશાહીને વાયબ્રન્ટ રાખવા માટે વોટ કરવો બહુ જરુરી છે. જો તમે વોટ નહિ કરો તો તમને પ્રશ્ન પુછવાનો કોઈ હક નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસે અઝહરુદ્દીનને જ્યુબિલી હિલ્સ બેઠકની ટિકિટ ફાળવીને અઝહરુદ્દીનને સક્રીય રાજકારણમાં પરત ફરવાની તક પૂરી પાડી છે. જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક તેલંગાણાના હૈદરાબાદ જિલ્લામાં સિકંદરાબાદ લોક સભા બેઠક વિસ્તારમાં આવે છે. 2018માં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(અત્યારે BRS)ના માગાન્તી ગોપીનાથે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પી. વિષ્ણુવર્ધન રેડ્ડીને 16,004 મતોના માર્જીનથી હરાવી દીધા હતા.
આ વખતે BRS દ્વારા ફરીથી વર્તમાન ધારાસભ્ય માગન્ટી ગોપીનાથને ટિકિટ અપાઈ છે. જેની સામે કૉંગ્રેસ અઝહરુદ્દીન અને ભાજપે તેના એક્ઝિક્યૂટિવ કમિટી મેમ્બર લાન્કાલા દીપકકુમારને ટિકિટ ફાળવી છે. AIMIM દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેટર મોહમ્મદ રાશીદ ફરાઝુદ્દીનને ટિકિટ આપવામાં આવી છે. આ ચૂંટણી જંગમાં 109 રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના કુલ 2,290 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. જેમાં 221 મહિલા અને 1 ટ્રાન્સજેન્ડર ઉમેદવારનો સમાવેશ થાય છે.
તેલંગાણાની આ વખતની ચૂંટણીમાં કુલ 3.17 કરોડ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. 3 ડિસેમ્બરે મતગણતરી બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વર્તમાન ધારાસભ્યોમાંથી 103 ધારાસભ્યો ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ઉમેદવારો સત્તાધીશ પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના છે. આખા રાજ્યમાં મતદાન માટે કુલ 35,655 મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. તેલંગાણામાં પ્રથમવાર દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદાતાના ઘરે મતદાનની સગવડ ઊભી કરવામાં આવી છે. ગુરુવારે થઈ રહેલા મતદાનમાં ઘરે મતદાન કરવાની સુવિધા કુલ 27,600 મતદાતાઓને પૂરી પાડવામાં આવી છે. જ્યારે 1000 મતદાતાઓએ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલટ સીસ્ટમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ અત્યારે બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં તેમની એક બેઠક ગાજવેલ અને બીજી બેઠક કામારેડ્ડી છે.
- તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 લાઈવ અપડેટ્સ: બપોરે 3 વાગ્યા સુધી 51.89 ટકા મતદાન નોંધાયું
- તેલંગાણા ચૂંટણી 2023 : કોંગ્રેસે MLC કે. કવિતા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી