અમદાવાદ: બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના માનહાનિના કેસમાં આજે સુનવણી હાથ ધરવામાં આવશે. અમદાવાદના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે. પરમારની કોર્ટમાં ત્રીજી વખત સુનવણી થશે. ગુજરાતના સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ હરેશ મહેતાની અરજી પર ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ આ સુનવણી થવાની છે.અરજદારે કોર્ટમાં રજૂ કરેલા પુરાવા પર આજે સુનાવણી થવાની છે. જે બાદ તે નક્કી કરવામાં આવશે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવે કે નહીં. મહેતાના વકીલ પી.આર.પટેલે કોર્ટમાં પુરાવા તરીકે સીડી (CD) અને પેન ડ્રાઈવ રજૂ કરી છે. જેમાં તેજસ્વી યાદવની કથિત નિવેદનના રેકોર્ડ છે.
શું છે બદનક્ષીનો મામલોઃ ઈન્ટરપોલની 'રેડ નોટિસ'માંથી હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ હટાવ્યા બાદ તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. તેમણે પટનામાં કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં ગુંડાઓ માત્ર ગુજરાતીઓ છે. તેમને પણ માફ કરવામાં આવ્યા છે.આ નિવેદન બાદ અમદાવાદના બિઝનેસમેન હરેશ મહેતાએ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે. પરમારની કોર્ટમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે તેજસ્વી યાદવ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, તેજસ્વીએ તેની સ્પષ્ટતામાં કહ્યું હતું કે તેણે તમામ ગુજરાતીઓને ઠગ નથી કહ્યા.