ભુવનેશ્વર : ઓડિશાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઢેંકનાલ જિલ્લાના મેરામમંડલી સ્થિત ટાટા સ્ટીલ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના થઈ છે. સ્ટીમ પાઈપલાઈન ફાટવાને કારણે જોરદાર બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં પ્લાન્ટમાં કામ કરતા 19 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને કટકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર મળ્યા બાદ જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘટનાની તપાસ કરી રહી છે. તો બીજી તરફ ટાટા સ્ટીલ વતી ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ બપોરે લગભગ એક વાગ્યે થયો હતો.
Odisha Tata Steel Mishap : ઢેંકનાલમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં જોરદાર બ્લાસ્ટ, 19 ઈજાગ્રસ્ત - ઢેંકનાલ જિલ્લામાં ટાટા સ્ટીલ પ્લાન્ટ
ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 19 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પૈકી બેની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
કર્મચારી દાઝી ગયા : પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગેસ લીક થયા બાદ પ્લાન્ટમાં સ્ટીમ પાઇપ ફાટ્યો હતો અને બ્લાસ્ટ થયો હતો. તે સમયે ત્યાં કામ કરતા કેટલાક મજૂરો અને એન્જિનિયરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગરમ ઉકળતું પાણી તેમના પર પડતા કેટલાક કર્મચારીઓ દાઝી ગયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 19 કર્મચારીઓને પ્લાન્ટની અંદર હાજર મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેને કટકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કર્મચારીઓ પૈકી બેની હાલત ગંભીર હોવાનું સુત્રો તરફથી માહીતી મળી રહી છે.
ટાટા સ્ટીલ દુ:ખ વ્યક્ત કર્યું : આ અંગે ટાટા સ્ટીલ વતી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ટાટા સ્ટીલે ટ્વિટ કર્યું, અમે BFPP2 પાવર પ્લાન્ટમાં વિસ્ફોટથી દુઃખી છીએ. આ અકસ્માત બપોરે બે વાગ્યે બન્યો હતો. તે સમયે પ્લાન્ટમાં હાજર કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અમે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અકસ્માત બાદ તરત જ ઈમરજન્સી પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો હતો. હાલમાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.