નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળ પોલીસને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિશીથ પ્રમાણિકની ધરપકડ ન કરવાનો હુકમ કર્યો છે. નિશીથ પ્રમાણિક પર વર્ષ 2018માં હત્યાના પ્રયત્નનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કોઈ દંડનાત્મક કાર્યવાહી ન કરવાનો પણ આદેશ કર્યો છે. ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને ન્યાયાધીશ પંકજ મિથલની સંયુક્ત બેન્ચે કહ્યું કે, હાઈ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવે ત્યાં સુધી નિશીથ પ્રમાણિક પર બંગાળ પોલીસ કોઈ દંડનાત્મક કાર્યવાહી ન કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજકર્તાના વકીલે જલપાઈગુડીમાં સર્કિટ બેન્ચની આગામી તારીખ 22મી જાન્યુઆરી હોવાનું જણાવ્યું છે. રાજ્ય સરકારના વકીલે આશ્વાસન આપ્યું છે કે ત્યાં સુધી નિશીથ પ્રમાણિકની ધરપકડ ન કરવામાં આવે. 11 જાન્યુઆરીના રોજ નિશીથ પ્રમાણિકના વકીલે કોર્ટમાં દલીલ કરી કે તેમના અસીલ સંસદના સભ્ય છે અને હાઈ કોર્ટે તેમની ધરપકડમાં સુરક્ષા પૂરી પાડવાની મનાઈ કરી છે.
નિશીથ પ્રમાણિકના વકીલે આગળ જણાવ્યું કે, મારા અસીલ પહેલા ટીએમસીમાં હતા હવે તેઓ ભાજપમાં છે. તેથી તેમની ધરપકડની સંભાવના વધી જાય છે. કોર્ટે નિશીથ પ્રમાણિકને સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવો જોઈએ. સંયુક્ત બેન્ચે હાઈ કોર્ટમાં તેમની અરજી પેન્ડિંગ છે અને તેઓ હાઈ કોર્ટમાં કેમ નથી જઈ શક્તા તેવું પુછ્યું હતું. સુપ્રીમ કોર્ટને 22મી જાન્યુઆરીના રોજ હાઈ કોર્ટમાં થનાર સુનાવણીથી માહિતગાર કરવામાં આવી. આ દરમિયાન પોલીસ નિશીથ પ્રમાણિકની ધરપકડ કરે તેવા સંજોગો નકારી શકાય નહીં.
દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી તારીખ 12મી જાન્યુઆરી આપી હતી. તેથી નિશીથ પ્રમાણિકે કલકત્તા હાઈ કોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચ 4 જાન્યુઆરીના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. કલકત્તા હાઈ કોર્ટે નિશીથ પ્રમાણિકને આગોતરા જામીન આપવાની પણ મનાઈ ફરમાવી હતી.
વર્ષ 2018માં એક હત્યાના પ્રયત્નનો આરોપ નિશીથ પ્રમાણિક પર લાગ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળના કુચ બિહાર જિલ્લાના દિનહાટા પોલીસ સ્ટેશનમાં હત્યા કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં લોકોના એક ટોળાએ ટીએમસી કાર્યકર્તાઓ પર ગોળીબાર પણ કર્યો હતો. આ ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગી અને તે ઘાયલ થયો હતો.
- Bilkis Bano Case : બિલકિસ બાનો કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બન્યો "ટોક ઓફ ધ ટાઉન"
- Nawab Malik News: સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો