નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક સ્કૂલમાં વિદ્યાર્થીને લાફો ઝીંકવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય એસ ઓક અને પંકજ મિથલની સંયુક્ત બેન્ચે કહ્યું કે ધર્મના નામે આ કૃત્ય અયોગ્ય છે. 24 ઓગસ્ટના રોજ મુઝફ્ફરનગરના ખુબ્બાપુર ગામની પબ્લિક સ્કૂલની શિક્ષિકા તૃપ્તા ત્યાગીએ એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને થપ્પડ મરાવી હતી. એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને લાફો મારવાના આદેશ આપવાનું કૃત્ય કરનાર શિક્ષિકા વિરૂદ્ધ ચોમેર ટીકાઓ થઈ હતી.
વીડિયો વાયરલઃ ઉત્તર પ્રદેશની એક શાળામાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ લાફો માર્યો હતો. લાફો મારવાનો આદેશ શિક્ષિકાએ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં આ ઘટના સંદર્ભે અરજી દાખ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સમગ્ર તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કર્યા છે.