- સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી
- બધી અરજીઓ પર સુનાવણી કરી રહી છે સુપ્રીમ કોર્ટ
- કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં આરોપોને નકાર્યાં
નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે સોમવારે કથિત પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માગ કરતી વિવિધ અરજીઓની સુનાવણી કરી હતી. પેગાસસ મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા તેના બે પાનાના સોગંદનામામાં અરજદારો દ્વારા સરકાર પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકાર્યાં છે.
અરજીઓ અનુમાન પર આધારિત
કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે પત્રકારો, રાજકારણીઓ, કર્મચારીઓની જાસૂસી કરવા માટે સ્પાયવેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓ અનુમાન પર આધારિત છે, આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. એક આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઇઝરાયલના પેગાસસ સ્પાયવેર દ્વારા સર્વેલન્સ માટે સંભવિત લક્ષ્યોની યાદીમાં 300 થી વધુ ભારતીય મોબાઇલ ફોન નંબર મૂકવામાં આવ્યાં હતાં.
શું છો પેગાસસ સ્પાયવેર?
પેગાસસ એક એવું શક્તિશાળી સ્પાયવેર સોફ્ટવેર છે જે મોબાઈલ અને કોમ્પ્યુટરમાંથી ગુપ્ત અને વ્યક્તિગત માહિતીની ચોરી કરે છે અને તેને હેકરો સુધી પહોંચાડે છે. આને સ્પાયવેર કહેવામાં આવે છે એટલે કે આ સોફ્ટવેર તમારા ફોન દ્વારા તમારી જાસૂસી કરે છે. ઇઝરાયેલની કંપની NSO ગ્રુપ દાવો કરે છે કે તેઓ વિશ્વભરની સરકારોને આ પૂરું પાડે છે. તેનાથી iOS અથવા Android ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા ફોન હેક કરી શકાય છે. પછી તે ફોન ડેટા, ઈ-મેલ, કેમેરા, કોલ રેકોર્ડ અને ફોટા સહિતની દરેક પ્રવૃત્તિને ટ્રેસ કરે છે.
શું કહે છે ભારતનો કાયદો?
ભારતમાં ઇન્ડિયન ટેલીગ્રાફ એક્ટ 1885ના સેક્શન 5(2) પ્રમાણે ફોન ટેપિંગ કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારોને જ છે. જો પોલીસ અથવા આવકવેરા વિભાગ જેવા કોઈપણ સરકારી વિભાગને લાગે કે કોઈ પણ પરિસ્થિતિમાં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો તે ફોન ટેપિંગ કરાવી શકે છે. આઈટી એક્ટ અંતર્ગત મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં કોઈપણ વાયરસ અને સોફ્ટવેર હેઠળ માહિતી લેવી ગેરકાયદે છે. તે હેકિંગની શ્રેણીમાં આવે છે જે ગુનો છે. IT મંત્રાલયે તેની સ્પષ્ટતામાં કહ્યું કે સરકાર તેના તમામ નાગરિકોના મૂળભૂત અધિકાર તરીકે ગોપનીયતાના અધિકારને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃ સંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના 133 કરોડ રૂપિયા વેડફાયા
આ પણ વાંચોઃ શું તમારા સ્માર્ટફોનને સ્પાયવેરથી બચાવવો છે ? તો રાખો આ સાવધાનીઓ...