નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ગુરુવારે બિલ્કીસ બાનો કેસમાં દોષીતોના આત્મસમર્પણની સમય મર્યાદા વધારવાની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ છે. 3 દોષીતોએ આત્મસમર્પણની સમય મર્યાદા વધારવા અરજી કરી હતી. આ તમામ દોષીતોના આત્મસમર્પણની સમય મર્યાદા 21 જાન્યુઆરીના રોજ પૂરી થઈ રહી છે. 3 દોષીતોનું પ્રતિનિધિત્વ કરતા વકીલે ન્યાયાધીશ બી વી નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચમાં આ મામલાને સત્વરે સૂચિબદ્ધ કરવાની માંગ કરી હતી.
ન્યાયાધીશ નાગરત્નાએ જણાવ્યું કે બિલ્કીસ બાનો મામલે ચુકાદો સંભળાવનાર બેન્ચમાં તેમના સિવાય ન્યાયાધીશ ઉજ્જવલ ભૂઈયા પણ સામેલ છે. આ અરજીઓ પર સુનાવણી માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રજિસ્ટર ઓફિસને બેન્ચના ગઠન અને અરજીઓને કાલે સૂચિબદ્ધ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસેથી આદેશ લેવાના નિર્દેશ કર્યા છે.
અન્ય એક વકીલે કોર્ટમાં દલીલ કરી કે, અન્ય દોષિતો દ્વારા પણ અરજી કરવામાં આવશે. બેન્ચે કહ્યું કે, જો અરજીઓ ક્રમમાં હોય તો તેમને એકસાથે સૂચિબદ્ધ કરવામાં આવશે. 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો મામલે ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલ સજામાફી અને મુક્તિને રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર પાસે આ 11 દોષિતોની સજામાફી કરવાના કોઈ પાવર નથી. તેમજ દરેક દોષિતોએ 2 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસના એક દોષિત રમેશ ચંદનાએ આત્મસમર્પણની અવધિમાં વધારાની અરજી કરી છે. તેમણે પોતાનો દીકરો ઉંમર લાયક છે તેના લગ્નની જવાબદારી અને 86 વર્ષની માતાના આરોગ્ય વિષયક જવાબદારીઓ હોવાનો હવાલો આપ્યો છે. તેથી આત્મસમર્પણ કરતા પહેલા પોતાની માતા માટે યોગ્ય આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ માટે સુપ્રીમ કોર્ટમાં સમયની માંગણી કરતી અરજી કરી છે.
આ સિવાય અન્ય એક દોષિત મિતેશ ભટે કહ્યું કે, શિયાળામાં તેમનો પાક લણણી માટે તૈયાર છે. તેની લણણી માટે 6 અઠવાડિયાનો સમય આપો. ત્યારબાદ તે આત્મસમર્પણ કરી દેવા તૈયાર છે.
- બિલ્કિસ બાનોના ગુનેગારોનું સ્વાગત કરવું તે ગુજરાતના સંસ્કાર નથી: જીગ્નેશ મેવાણી
- બિલ્કીસ બાનો કેસમાં ચૂપ રહેનારાઓનું ગુજરાત શું ભલું કરશેઃ ઓવૈસી