જમ્મુ: નવા વર્ષના પહેલા દિવસે જમ્મુમાં માતા વૈષ્ણો દેવી મંદિર પરિસર નજીક માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગ (Stampede occurs at Mata Vaishno Devi Bhawan) મચી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતના સમાચાર સામે આવી ચૂક્યા છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તના જણાવ્યા અનુસાર, મૃત્યુના ચોક્કસ આંકડાઓ વિશે હજુ સુધી સાચી માહિતી પ્રાપ્ત થઈ નથી. નાસભાગમાં મૃત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ ઈજાગ્રસ્તોને નારાયણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી.
26 અન્ય લોકોને ઈજાગ્રસ્ત
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ અધિકારીઓ અને ધર્મસ્થાનના પ્રતિનિધિઓ સ્થળ પર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોની ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત ઓછામાં ઓછા 26 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ પણ અનેક ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
મૃત્યું પામેલા લોકોના પરિવારોને સહાય
જમ્મુ કશ્મીર એલજી મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, કટરામાં માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરીવારોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે.