નવી દિલ્હીઃરમત મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા રેસલિંગ ફેડરેશનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધું છે. આ મામલે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના એક સૂત્રએ કહ્યું છે કે અમે WFIને બરતરફ નથી કર્યું, તેમણે સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન તરીકે કામ કરવા માટે પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવાની જરૂર છે. રમત મંત્રાલયના આ નિર્ણય બાદ ભારતીય કુસ્તી મહાસંઘની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા : રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) સામે મોટી કાર્યવાહી કરી છે. નવા એસોસિએશનને રદ કરવાની સાથે મંત્રાલયે તાજેતરમાં ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહને પણ પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ વર્ષે સંજય સિંહે ઉત્તર પ્રદેશના ગોંડાના નંદિની નગરમાં અંડર-15 અને અંડર-20 નેશનલ્સની જાહેરાત કરી હતી. આ પછી રમત મંત્રાલયે નવા ચૂંટાયેલા ભારતીય રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે.
સંજયસિંહનો તમામ રેસલરોએ વિરોધ કર્યો હતો : તાજેતરમાં ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત મેળવી હતી. તેણે કુસ્તીબાજ અનિતા શિયોરાનને હરાવી હતી. સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ દિગ્ગજ રેસલર સાક્ષી મલિકે પત્રકાર પરિષદમાં કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. તેમના પછી બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યો. તેમના સિવાય હરિયાણાના પેરા એથ્લીટ વીરેન્દ્ર સિંહે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.