નવી દિલ્હી:કેન્દ્રીય પ્રઘાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી દ્વારા લંડનમાં આપેલા નિવેદનને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંસદીય પરંપરા, દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને મત આપનાર દરેક નાગરિકનું અપમાન ગણાવીને માંગણી કરી છે કે, રાહુલ ગાંધીએ સંસદમાંથી ભાગી જવાને બદલે આવીને માફી માંગવી જોઈએ. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ચૂંટણીમાં જીત અને હાર એ રાજકીય પરંપરાનો ભાગ છે, પરંતુ રાહુલ ગાંધીએ એવા દેશની મુલાકાત લઈને વિદેશી દળોને ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું છે જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે.
આ પણ વાંચો:Budget Session 2023: લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ 2 વાગ્યા સુધી સ્થગિત
લોકતાંત્રિક પ્રણાલીને તોડી: તેમણે વધુમાં કહ્યું કે, ભારતની લોકતાંત્રિક પ્રણાલીને તોડી પાડતા રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો કે વિદેશી દળો ભારત પર આવીને હુમલો કેમ નથી કરતા? તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે રાહુલ ગાંધીની નફરત હવે ભારત પ્રત્યે નફરતમાં ફેરવાઈ ગઈ છે. રાહુલ ગાંધીને સવાલ પૂછતા કેન્દ્રીય પ્રઘાને કહ્યું કે, તેમણે વિદેશમાં કહ્યું છે કે તેમને દેશની કોઈપણ યુનિવર્સિટીમાં બોલવાનો અધિકાર નથી. જો આવું છે તો 2016માં જ્યારે દેશની રાજધાની દિલ્હીની એક યુનિવર્સિટી (JNU)માં 'ભારત તેરે ટુકડે હોંગે' ના નારા લગાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમણે ત્યાં જઈને શું સમર્થન કર્યું હતું?
આ પણ વાંચો:Umesh pal murder case: પ્રયાગરાજ નૈની સેન્ટ્રલ જેલમાં સ્માર્ટ ફોન સાથે ઝડપાયો યુવક
કડવાશની લાગણી: તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે કહ્યું હતું કે, આખા દેશમાં શાંતિ, સૌહાર્દ છે અને તેમને દેશમાં કોઈ એવું નથી મળ્યું જે એમ કહે કે તેમના પ્રત્યે કડવાશની લાગણી હોય. આવી સ્થિતિમાં રાહુલે જણાવવું જોઈએ કે, તેઓ ક્યારે જૂઠું બોલતા હતા, તેમની મુલાકાત દરમિયાન ભારતમાં ખોટું બોલતા હતા કે હવે લંડનમાં ખોટું બોલી રહ્યા છે?