વડોદરા:વડોદરાના જિલ્લા વહીવટી તંત્ર (District Administration of Vadodara) દ્વારા વિશેષ અભિયાનના ભાગરૂપે લોકભાગીદારીથી પ્રાથમિક શાળાઓને આપવામાં આવી રહેલા સ્માર્ટ ક્લાસના ગુણાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ (Smart Classes In Primary Schoo) શરૂ થવાની સાથે જ ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા છે. આવા 75 છાત્રો ખાનગી શાળામાં શિક્ષણનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ફરી ભણવા લાગ્યા છે.
સ્માર્ટ કલાસ માટે પસંદગી:વડોદરાજિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ કરવા માટે વડોદરાના કલેક્ટર અતુલ ગોરે (Vadodara Collector Atul Gor) અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવો ઉમદા હેતું સાથે આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની 225 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે પૈકી 73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દેવામાં આવ્યા છે.
બાળકોમાં રસ અને રુચિ કેળવશે: આ સ્માર્ટ ક્લાસમાં એજ્યુકેશનલ મોડ્યુઅલ સાથે એક ડેશબોર્ડ આપવામાં આવે છે. જેમાં જુદા જુદા ધોરણના અભ્યાસક્રમો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં હોય છે. ગુજરાતી અને હિંદીની કવિતાઓને સંગીતના ઢાંચામાં ઢાળી એની સાથે અને ગણીત તથા વિજ્ઞાનના પ્રયોગો એનિમેશન સ્વરૂપમાં હોય છે. આ વિશેષતા બાળકોને રસ સાથે અભ્યાસ કરવા માટે પ્રેરે છે.
ખાનગી શાળાને તાળા લાગશે:કરજણ તાલુકાના લીલોડ ગામની વાત બહુ જ રસપ્રદ છે. ત્યાંથી સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ફરી દાખલ થયા છે. માત્ર 900 જેટલી વસતી ધરાવતા લીલોડ ગામની પ્રાથમિક શાળામાં કુલ 304 છાત્રો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પ્રત્યે એટલું સમર્પણ છે કે, આજુબાજુના સાત ગામના વિદ્યાર્થીઓ પણ ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે. એમાંય સ્માર્ટ ક્લાસ શરૂ થતાં 13 છાત્રો ફરી સરકારી શાળામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લીલોડમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવવા ઉપરાંત સ્માર્ટ ક્લાસ શરૂ થતાં બાજુના ગામમાં આવેલી એક ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર આવી ગઇ છે.