નવી દિલ્હીઃદિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને EDના મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે સોમવારે તેની જ્યુડિશિયલ કસ્ટડી 23 મે સુધી લંબાવી હતી. બપોરે 2 વાગ્યે સ્પેશિયલ સીબીઆઈ જજ એમ કે નાગપાલે તેમની ન્યાયિક કસ્ટડી વધારવાનો આદેશ જારી કર્યો હતો.
મનિશ સિસોદિયાને મોટો ફટકો :દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોની કડક સુરક્ષા વચ્ચે સિસોદિયા કોર્ટમાં પહોંચ્યા હતા. લગભગ 2:20 વાગ્યે, ન્યાયાધીશે કોર્ટની કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન સિસોદિયાને કોર્ટ રૂમની અંદર તેમના વકીલ સાથે 10 મિનિટ સુધી વાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. સિસોદિયાએ પત્નીની બીમારીને ટાંકીને ED કેસમાં વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જેના પર કોર્ટે ED પાસે જવાબ માંગ્યો છે.
કોર્ટે 23 મે સુધી ન્યાયિક કસ્ટડી વધારી :વહેલી સવારે હાઈકોર્ટે એક્સાઈઝ કૌભાંડના અન્ય આરોપી શરતચંદ્ર રેડ્ડીને નિયમિત જામીન આપ્યા હતા. બીજી તરફ, એક્સાઇઝ કૌભાંડના અન્ય બે આરોપીઓ ગૌતમ મલ્હોત્રા અને રાજેશ જોશીને પણ શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. સીબીઆઈ કેસમાં સિસોદિયા 12 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટ રૂમમાંથી બહાર આવીને પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર સિસોદિયાએ કહ્યું કે પટપડગંજનું કામ કે દિલ્હી બીજેપી ગમે તેટલી કોશિશ કરે તો પણ અટકશે નહીં.