ગંગટોક: સિક્કિમમાં બુધવારે વહેલી સવારે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. તેમાં સુરક્ષા દળોને પણ ઘણું નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે છ સેના જવાન સહિત ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. ગુરુવારે એક અહેવાલમાં જણાવાયું હતું કે સિક્કિમમાં અચાનક પૂરમાં 19 લોકો માર્યા ગયા છે અને 103 ગુમ છે.
ગુમ થયેલા લોકોની શોધ :હવે તીસ્તા નદીના નીચેના વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. સિક્કિમમાં ગુમ થયેલા સૈનિકોને શોધવા માટે શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. આ પહેલા બુધવારે સાંજે ગુમ થયેલા 23 સૈનિકોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. સિક્કિમના મુખ્ય સચિવ વિજય ભૂષણ પાઠકે કહ્યું, ' ચેક પોસ્ટ પર ઉપલબ્ધ ડેટા મુજબ લગભગ 3000 લોકો લાચેન અને લાચુંગમાં ફસાયેલા છે. જેમાં 700-800 ડ્રાઇવરોનો સમાવેશ થાય છે. મોટરસાઇકલ પર ત્યાં ગયેલા 3150 લોકો પણ ત્યાં ફસાયેલા છે. આર્મી અને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા તમામને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ વિસ્તારો અસરગ્રસ્ત :આ સિવાય સેનાએ લાચેન અને લાચુંગમાં ફસાયેલા લોકોને તેમના પરિવારજનો સાથે ઈન્ટરનેટ દ્વારા વાત કરાવી હતી. મંગન જિલ્લાના ચુંગથાંગ, ગંગટોક જિલ્લાના ડિકચુ, પાક્યોંગ જિલ્લાના સિંગતમ અને રંગપોમાંથી ઇજાગ્રસ્તો અને ગુમ થયેલા લોકોના અહેવાલ છે. મંગન જિલ્લામાં 4 લોકોના મોત થયા છે અને 17 લોકો ગુમ છે. એ જ રીતે ગંગટોકમાં પણ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 22 લોકો ગુમ છે.
3,000 લોકો ફસાયાં છે : સિક્કિમ સરકારે બુધવારે 14 લોકોના મોત અને 102થી વધુ લોકો ગુમ થયાની પુષ્ટિ કરી હતી. રાજ્ય સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ વધારાની પ્લાટૂનની માગણી કરી છે જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. એનડીઆરએફની એક પ્લાટૂન પહેલેથી જ રંગપો અને સિંગતમ નગરોમાં સેવામાં છે. તો એનડીઆરએફની આવી જ એક વધુ પ્લાટૂનને બચાવ કામગીરી માટે હવાઇ માર્ગે ચુંગથાંગમાં મોકલવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હાલમાં રાજ્યમાં 3,000થી વધુ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ ફસાયેલા છે.
ખાદ્યપદાર્થોની અછતનો ભય : સત્તાવાર અહેવાલો અનુસાર એર કનેક્ટિવિટી માટે હવામાન સુધર્યા પછી ખાદ્ય અને નાગરિક પુરવઠો ચુંગથાંગ લઈ જવામાં આવશે. દરમિયાન રાજ્યના અધિકારીઓએ રાજ્યમાં ખાદ્યપદાર્થોની અછતનો ભય વ્યક્ત કર્યો હતો. રાજ્યના મુખ્ય સચિવે કહ્યું કે સિલીગુડીથી બેલી બ્રિજનું નિર્માણ ભારતીય સેના, રાષ્ટ્રીય રાજમાર્ગ અને નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) દ્વારા કરવામાં આવશે.
- Bihar Crime News: ગયામાં પ્રેમીઓએ મંદિરમાં લગ્ન કરી લેતા પંચાયતે તાલીબાની સજા ફટકારી
- ECI Meeting: 5 રાજ્યોની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત, ચૂંટણી પંચે મહત્વની બેઠક બોલાવી
- Mumbai Fire: ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, 7ના મોત, 31 લોકો સારવાર હેઠળ