નવી દિલ્હી : સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં (Sidhu Moose Wala Murder Case) પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગુજરાતના મુન્દ્રામાંથી ત્રણેયની ધરપકડ કરી છે. આ શૂટર્સ પાસેથી એકે 47 જેવી રાઈફલ, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે.
મુન્દ્રામાં કામ કરી ચૂક્યો છે કેશવ :મુન્દ્રા પોલીસ સ્ટેશનના PI હાર્દિક ત્રીવેદીએ જણાવ્યું હતું કે, કેશવ કુમાર નામનો શૂટર્સ અગાઉ દોઢ-બે વર્ષ પૂર્વે મુન્દ્રામાં આવી મજૂરીકામ કરી ચૂક્યો હોવાથી તે તેના અન્ય બે સાગરિતોને પણ અહીં લઈ આવ્યો હતો. મુન્દ્રાના બારોઈમાં ખારીમીઠી રોડ પાસે હજૂ અઠવાડિયા પહેલાં ભાડે રહેવા આવેલા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત એવા કશિશ ઉર્ફે કુલદીપ, અશોક ઉર્ફે ઈલિયાસ ઉર્ફે ફૌઝી અને કેશવકુમાર નામના શખ્સને દબોચી લીધા હતા. જેમાંના બે હરિયાણાના તથા એક પંજાબનો હોવાનું સામે આવ્યું (Moose Wala Murder Main Shooters) છે.
આ પણ વાંચો :મુસાવાલાની હત્યા કરી શાર્પ શૂટરો આવી રીતે પહોચ્યા ગુજરાત
ગુજરાત પહેલા ઉત્તરપ્રદેશમાં દેખાયા :ધરપકડ કરાયેલા શૂટરોમાંથી એકનું નામ પ્રિયવ્રત ફૌજી છે અને તે હરિયાણાનો ગેંગસ્ટર (Haryana based gangster) છે. આ ગેંગસ્ટર ગુજરાત આવ્યા પહેલા ફતેહાબાદ પેટ્રોલ પંપના CCTVમાં નજરે આવ્યો હતો. 26 વર્ષીય પ્રિયવ્રત ફૌજી હરિયાણાના સોનેપત જિલ્લાના ગઢી સિસાનાનો રહેવાસી છે. ધરપકડ કરાયેલા બીજા શૂટરનું નામ કશિશ કુલદીપ છે. 24 વર્ષીય કુલદીપ હરિયાણાના ઝજ્જર જિલ્લાના સજન પના ગામના વોર્ડ નંબર 11નો રહેવાસી છે. આ પણ ઘટના પહેલા ફતેહગઢ પેટ્રોલ પંપના CCTV ફૂટેજમાં જોવા મળ્યો હતો. તે 2021માં હરિયાણાના ઝજ્જરમાં થયેલી હત્યામાં પણ સામેલ છે. આ ઉપરાંત, સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા ત્રીજા શૂટરનું નામ કેશવ કુમાર છે. 29 વર્ષીય કેશવ પંજાબના ભટિંડા જિલ્લાના આવા બસ્તીનો રહેવાસી છે.
પોલીસને મુન્દ્રામાં હોવાની બાતમી :ઉલ્લેખનીય છે કે, આ ઝડપાયેલા આરોપીઓની સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવણી ખુલતાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ (Delhi Police Special Cell) દ્વારા આ ગેંગના નાસતા ફરતા સાગરીતોને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી. આરોપીઓ કચ્છના મુન્દ્રામાં હોવાની બાતમીના આધારે દિલ્હી પોલીસના એક PI, બે PSI તથા કોન્સ્ટેબલ સાથે એક ખાસ ટીમ મુન્દ્રા આવી હતી અને ઓપરેશન પાર પાડી ચાલી ગઈ હતી.