નવી દિલ્હી:બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 4 દિવસના ભારત પ્રવાસે (PM Sheikh Hasina visit India) છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ ભાગીદારીની સમીક્ષા કરવા અને તેને વધુ મજબૂત કરવા માટે વાતચીત શરૂ કરી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં PM શેખ હસીનાનું કર્યું ભવ્ય સ્વાગત :રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન શેખ હસીનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, અમારી પ્રાથમિકતા લોકોના મુદ્દાઓ, ગરીબી નાબૂદી અને અર્થવ્યવસ્થાનો વિકાસ છે. આ મુદ્દાઓ સાથે, મને લાગે છે કે અમે બંને દેશો સાથે મળીને કામ કરીએ છીએ જેથી કરીને માત્ર ભારત અને બાંગ્લાદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં લોકો વધુ સારું જીવન જીવી શકે.
PM શેખ હસીનાએ કહ્યું ભારત અને ભારતના લોકોએ અમને સમર્થન આપ્યું છે :વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, ભારત હંમેશા અમારો સારો ભાગીદાર રહ્યો છે. હું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સકારાત્મક વાતચીતની આશા રાખું છું. જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે ભારત અને ભારતના લોકોએ અમને સમર્થન આપ્યું, તે દરમિયાન ભારતના યોગદાનનો હું આભાર માનું છું. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે સવારે રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે મંગળવારે બંને ટોચના નેતાઓ વચ્ચે અલગ-અલગ બેઠક યોજાશે. આ સાથે શેખ હસીના આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે.
PM હસીના PMન રેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો કરશે :બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સોમવારે બંને દેશો વચ્ચેના એકંદર સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે 4 દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા. હસીના મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો કરશે, જેના પછી બંને પક્ષો સંરક્ષણ, વેપાર અને નદી-પાણીની વહેંચણીના ક્ષેત્રોમાં સહકાર વધારવાના પગલાંની રૂપરેખા આપે તેવી શક્યતા છે. નવી દિલ્હી પહોંચતા જ બાંગ્લાદેશના વડાપ્રધાનનું એરપોર્ટ પર કેન્દ્રીય પ્રધાન દર્શના જર્દોષે સ્વાગત કર્યું હતું.
બાંગ્લાદેશના વડાપ્રધાન રાજસ્થાનની દરગાહની મુલાકાત લેશે :વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, "બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું નવી દિલ્હી આગમન પર રેલ્વે અને કાપડ રાજ્ય પ્રધાન દર્શના જર્દોષ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. ગુરુવારે બાંગ્લાદેશના વડાપ્રધાન રાજસ્થાનના અજમેરમાં સુફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લેશે. હસીનાના પ્રતિનિધિમંડળમાં વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમેન, વાણિજ્ય પ્રધાન ટીપુ મુનશી, રેલવે પ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુઝાન, મુક્તિ યુદ્ધ પ્રધાન એકેએમ મોઝમ્મેલ હક અને વડાપ્રધાનના આર્થિક બાબતોના સલાહકાર મસીઉર એકેએમ રહેમાનનો સમાવેશ થાય છે.