મુંબઈ :આજે 21 જુલાઈ સોમવારના રોજ ભારતીય શેરબજારમાં ફરી રોનક આવી છે. બજારના બંને મુખ્ય ઈન્ડેક્સ BSE Sensex અને NSE Nifty અનુક્રમે લગભગ 267 અને 83 પોઈન્ટનો ઉછાળો લઈને બંધ થયા હતા. જોકે આજે બજારની શરુઆત નબળી રહી હતી. પરંતુ ત્યારબાદ સતત મજબૂત વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે માર્કેટ લીલા રંગમાં બંધ થયું હતું. પાવર, ટેકનોલોજી, કન્ઝ્યુમર ગુડ અને મેટલ સેક્ટરમાં નવી લેવાલી નીકળતા માર્કેટનું સેન્ટીમેન્ટ પોઝીટીવ રહ્યું હતું.
BSE Sensex : ગત શુક્રવારે BSE Sensex 64,948 પોઈન્ટ પર બંધ થઈને આજે સપ્તાહની શરુઆતમાં 96 પોઈન્ટ ડાઉન 64,852 ના મથાળે ખુલ્યો હતો. જોકે ત્યારબાદ સતત મજબૂત વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે 267 પોઈન્ટનો ઉછાળો લઈને 65,216 પર બંધ થયો હતો. જે લગભગ 0.41 %નો વધારો દર્શાવે છે. આજે સ્થાનિક નાણાં સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડના ટેકારુપ લેવાલીને કારણે BSE Sensex એ 65,335.82 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે ગત શુક્રવારે BSE Sensex 202 પોઈન્ટ તૂટ્યો હતો.
NSE Nifty :આજે સપ્તાહના પ્રથમ દિવસે NSE Nifty 10 પોઈન્ટ વધીને 19,320 ના મથાળે ખુલ્યો હતો. જોકે ત્યારબાદ શરુઆતી ટ્રેડમાં જ અચાનક ઘટીને 19,296 પોઈન્ટ ડાઉન ગયો હતો. ત્યારબાદ સતત લેવાલીના પગલે 129 પોઈન્ટની રિકવરી નોંધાવીને 19,425 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે નિફ્ટી ઇન્ડેક્સ 83 પોઈન્ટ વધીને 19,393 ના મથાળે લીલા રંગમાં બંધ રહ્યો હતો. જે લગભગ 0.43 %નો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગત શુક્રવારે લગભગ 55 પોઈન્ટ ઘટીને 19,310 પર બંધ થયો હતો.