મુંબઈ :આજે 14 સપ્ટેમ્બર ગુરુવારના રોજ શેરબજારમાં છેલ્લા 10 દિવસની રોનક જળવાઈ રહી છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 67,771 અને 20,167 પોઈન્ટની સર્વકાલીન ઊંચાઈ બનાવી છે. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. ત્યારબાદ ટ્રેડિંગ સેશનના અંતે રોકાણકારોને નફો આપી લીલા નિશાનમાં બંધ થયા હતા.
BSE Sensex : આજે 14 સપ્ટેમ્બર ગુરુવારના રોજ BSE Sensex ઈનડેક્સ ગતરોજના 67,466 પોઈન્ટના બંધ સામે 161 પોઈન્ટ વધીને 67,627 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 52 પોઈન્ટ (0.08 %) સુધારા સાથે 67,519 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈન્ડેક્સની આજે મજબૂત શરુઆત રહી હતી. શરુઆતમાં જ 67,771 પોઈન્ટની લાઈફટાઈમ હાઈ બનાવી હતી. જોકે બપોરે યુરોપીય માર્કેટ ખુલતા તેની અસર ભારતીય બજારના સેન્ટીમેન્ટ પર થઈ હતી. જેમાં BSE Sensex 67,366 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો.
NSE Nifty : આજે 14 સપ્ટેમ્બર ગુરુવારના રોજ NSE Nifty ગતરોજના 20,070 બંધની સામે 57 પોઈન્ટ વધીને 20,127 ના મથાળે ખુલ્યો હતો. જોકે, શરુઆતી કારોબારમાં જ NSE નિફ્ટીએ 20,167 પોઈન્ટની હાઈ બનાવી હતી. ત્યારબાદ અચાનક ડાઉન જઈને 20,043 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ 60 પોઈન્ટની રિકવરી નોંધાવી ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 33 પોઈન્ટ સુધારા બાદ 20,103 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.16 ટકાનો વધારો દર્શાવે છે.