મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) ના પ્રમુખ શરદ પવારે કેન્દ્રને સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત પરની 50 ટકા મર્યાદા દૂર કરવા અને રાજ્યોને હાલની ક્વોટા મર્યાદા ઓળંગવા માટે કાયદો ઘડવા કહ્યું છે.
પવારે કહ્યું કે, ગયા સપ્તાહમાં રાજ્યસભામાં હોબાળા સમયે માર્શલો દ્વારા કરાયેલો બળપ્રયોગ સાંસદ અને લોકતંત્ર પર એક હુમલો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકારે સાત કેન્દ્રીય પ્રધાનોને મીડિયાની સામે પોતાને સાચા બતાવવા માટે મેદાને ઉતાર્યા હતા.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન પવારે વધુમાં કહ્યું કે , સંવિધાન કોઈ પણ નિર્ણયથી ઉપર છે અને મોદી સરકાર નોકરી અને શિક્ષણમાં 50 ટકાની મર્યાદામાં છુટ આપે અને રાજ્યોને હાલના ક્વોટા મર્યાદા ઓળંગવાની મંજૂરી આપવા માટે બંધારણીય સુધારો લાવે. તેમણે ઉમેર્યું કે, અનુચ્છેદ 15(4) અને 16(4) ( સામાજીક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગો માટે જોગવાઈ અને અનામત સંબંધિત ) ક્વોટાની કોઈ મર્યાદા નથી અને તેને વધારવામાં બંધારણીય રીતે કોઈ રોક નથી.
પવારે કેન્દ્રને જ્ઞાતિ આધારીત વસ્તી ગણતરી કરવા કહ્યું અને દાવો પણ કર્યો કે કેન્દ્ર સરકારે અનામતના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમણે સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે તેમની પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકાર સામે લોકમત તૈયાર કરશે. રાજ્યોનો અધિકાર પુન સ્થાપિત કરવા માટે બંધારણીય સુધારો, જે બે વર્ષ પહેલા OBCની યાદી તૈયાર કરવા માટે છીનવી લેવામાં આવ્યો હતો, તે માત્ર એક દેખાવો છે.
પવારે કહ્યું જ્યાં સુધી 50 ટકાની મર્યાદામાં છુટ નહીં અપાય ત્યાં સુધી મરાઠા ક્વોટા લાગુ કરી શકાય તેમ નથી. આ રીતે જ અન્ય પછાત વર્ગ ( OBC ) પર પ્રાયોગિક ડેટા રાજ્યોને પણ આપવો જોઈએ. જ્યાં સુધી આંકડાઓ ઉપલબ્ધ નહીં હોય ત્યાં સુધી ખ્યાલ ન આવે કે નાની જ્ઞાતિઓમાં કેટલુ પ્રતિનિધિત્વ આપવું.
અનેક રાજ્યોમાં અનામત 60 ટકાથી ઉપર છે. તેમણે કહ્યું કે , મોદી સામે બોલવા કોઈએ તો હિમંત બતાવી પડશે. બંધારણીય સુધારાનો એકમાત્ર હેતુ છેતરપિંડી છે. ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ લોકસભાએ એક બિલ પસાર કરીને રાજ્યોને નક્કી કરવાની મંજૂરી આપી હતી કે તેમને ત્યાં OBC કોણ છે. 127 મો બંધારણીય સુધારો અધિનિયમ, 2021, રાજ્યોની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) ને ઓળખવાની શક્તિને પુન: સ્થાપિત કરે છે.
ભારતે વિદેશ નીતિ પર સમીક્ષા કરવાની જરૂરત
અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કરાયેલા કબજાને લઈને પવારે કહ્યું કે તમામ પાડોશી દેશો અંગે ભારતે પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર છે. અફઘાનિસ્તાન સંકટ પર પુછવામાં આવતા તેમણે રિપોર્ટરને કહ્યું કે , આપણે સાવધ રહેવું જોઈએ અને લાંબા ગાળા માટે સાવચેતી રાખવી જોઈએ. એક સમય હતો જ્યારે ચીન અને પાકિસ્તાનને છોડીને અન્ય પડોશી દેશો સાથે ભારતના સારા સંબંધો હતા.
અફઘાનિસ્તાનની સરકાર પડવા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા બાદ તાલિબાની લડાકુઓએ રાજધાની કાબુલ પર કબજો કરી લીધો છે. પૂર્વ રક્ષા પ્રધાને કહ્યું કે , બાકીના દેશોને લઈને આપણી વિદેશ નીતિ પર સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. સ્થિતિ સારી નથી પરંતુ આ સંવેદનશીલ મામલો છે. અમે સરકારને સહયોગ પણ કરીશું કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.