ન્યુઝ ડેસ્ક: સેવા સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. તેઓ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેમને 1977માં રેમન મેગ્સેસે એવોર્ડ, 1986માં રાઈટ લાઈવલીહુડ એવોર્ડ અને પદ્મ ભૂષણ જેવા એવોર્ડ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે મહિલાઓના રોજગાર માટે પણ અનેક કામો કર્યા છે.
કોણ છે ઇલાબેન: ઇલાબેન રમેશ ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. તેઓ સહકારી ચળવળના નેતા, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ હતા. તેણીએ 1972માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે 1972 થી 1996 સુધી તેના મહાસચિવ તરીકે સેવા આપી. તે કાયદાની સ્નાતક છે અને આંતરરાષ્ટ્રીય શ્રમ, મહિલા મુદ્દાઓ, લઘુ ધિરાણ અને સહકારી, સંલગ્ન ચળવળોમાં સામેલ હતા. ઇલાબેન ભટ્ટે વર્ષ 1956માં રમેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેમને બે સંતાનો અમીમયી (1958) અને મિહિર (1959) થયા હતા. હાલ તેઓ પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.
ઇલાબેનના કાર્યો:ઇલા બહેન ગુજરાત વિદ્યાપીઠના બીજા મહિલા ચાન્સેલર હતાં. તાજેતરમાં ચાન્સેલરના પદેથી તેઓ દૂર થયાં હતાં અને ગુજરાત ગવર્નરે આ પદ સંભાળ્યું. આ પરિવર્તનને આવકાર્ય ગણાયું નહોતું. ઇલા બહેને ધ એલ્ડર્સ નામની સંસ્થાનો પણ ભાગ હતાં. આ સંસ્થા સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. અહીં તેમણે જાગૃતિ નામની બાળવિવાહને લગતી કાર્ય કરતી સંસ્થા માટે ૫ણ કામ કર્યુ. સેવા કો-ઑપરેટીવ બૅન્ક, લારીવાળાઓના આંતરરાષ્ટ્રીય સંગઠન-હોમનેટના પણ તેઓ પ્રમુખ રહ્યાં. તેઓ WIEGO (Women in Informal Employment: Globalizing and Organizing)ના બોર્ડ ઑફ ડાયરેક્ટર પદે રહ્યાં.
સ્ત્રી સશક્તિકરણના કાર્યો: સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે તેમણે કરેલા કાર્યોને ભારત સરકાર અને અન્ય દેશોએ બિરદાવ્યા છે. તેમના સમાજલક્ષી કર્યો બદલ તેમને વિવિઘ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને વર્ષ 1977માં બહુ-પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતાં. 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં. તેમને વર્ષ 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ પણ મળ્યો હતો. ભારતમાં ગરીબ સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમને વર્ષ 2010માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં.