નવી દિલ્હીઃહિમાચલ પ્રદેશના પૂર્વ ડીજીપી સંજય કુંડુને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે સંજય કુંડુની ડીજીપી પદેથી બદલી કરવાના હિમાચલ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એક વેપારીની ફરિયાદ પર સુનાવણી કરતા કાંગડા જિલ્લાના ડીજીપી અને એસપીને તેમની વર્તમાન પોસ્ટિંગ પરથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટે આ નિર્દેશો એટલા માટે આપ્યા હતા કે કાંગડા જિલ્લાના પાલમપુરમાં રહેતા વેપારી નિશાંત શર્માના જીવને જોખમ હોવાની ફરિયાદના કેસમાં તપાસને અસર ન થાય. જેની સામે સંજય કુંડુએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
નોંધનીય છે કે 26 ડિસેમ્બર 2023ના રોજ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ડીજીપીને તેમની વર્તમાન પોસ્ટિંગ પરથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. આ કેસની આગામી સુનાવણી 4 જાન્યુઆરી, ગુરુવારે થવાની છે. બીજી બાજુ હાઈકોર્ટના નિર્દેશો પછી હિમાચલ સરકારે સંજય કુંડુને આયુષ વિભાગના મુખ્ય સચિવ બનાવ્યા અને 2 જાન્યુઆરીએ તેનું જાહેરનામું બહાર પાડ્યું. 2 જાન્યુઆરીએ જ સરકારે IPS સતવંત અટવાલને DGPની જવાબદારી સોંપી હતી અને તે દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્દેશો પર સ્ટે મુક્યો હતો.
બુધવારે કેસની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સંજય કુંડુને આદેશ પાછો ખેંચવા માટે હિમાચલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હિમાચલ હાઈકોર્ટે આ અરજી પર બે અઠવાડિયામાં નિર્ણય કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે ડીજીપીને આયુષ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરીની પોસ્ટ માટે દબાણ ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું છે કે જો સીબીઆઈ આ કેસમાં તપાસનો આદેશ આપે તો આરોપી એસપીની બદલી થઈ શકે છે, પરંતુ ડીજીપીની બદલી શા માટે કરવી જોઈએ, જ્યારે તેઓ સીધા આરોપી પણ નથી.