નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના આઈપીએસ સંજય કુંડુને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કુંડુ ડીજીપી પદ પર ચાલુ રહેશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે સંજય કુંડુને ડીજીપી પદ પરથી હટાવવાના હિમાચલ હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો છે. બિઝનેસમેન નિશાંત શર્મા કેસમાં આ બીજી વેળા આવી છે જ્યારે સંજય કુંડુ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને બંને વખત તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.
ડીજીપી તરીકે ફરી નિયુક્તિનો માર્ગ સાફ :ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે સંજય કુંડુને પુનઃસ્થાપિત કર્યા છે. કુંડુને પ્રિન્સિપલ સેક્રેટરી આયુષના પદ પર ટ્રાન્સફર કરાયેલા કુંડુને હિમાચલના ડીજીપી તરીકે ફરી મૂકવાનો નિર્ણય આપ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં હાઈકોર્ટ દ્વારા SIT તપાસના આદેશને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યના ડીજીપીના પદ પરથી આપીએસ કુંડુને દૂર કરવાનો આદેશ તેમની સામેના આરોપો સામે તેમની બાજુ જાણ્યા વિના પસાર કરી શકાય નહીં. સંજય કુંડુ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના આદેશ સામે સંજય કુંડુ બીજી વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતાં.
નિશાંત શર્માની ફિયાદ પર લેવાયેલું પગલું : હિમાચલના કાંગડા જિલ્લાના રહેવાસી નિશાંત શર્મા નામના વેપારીએ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ઈ-મેઈલ કરીને ડીજીપી સંજય કુંડુ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. જેમાં તેમના અને તેમના પરિવારના જીવને ખતરો છે તેમ કહ્યું હતું. જે બાદ સુઓમોટો સંજ્ઞાન લઈને હાઈકોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. 26 ડિસેમ્બર, 2023ના રોજ, હાઈકોર્ટે ડીજીપી સંજય કુંડુ અને કાંગડા જિલ્લાના એસપી શાલિની અગ્નિહોત્રીને તેમની વર્તમાન પોસ્ટિંગમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો. જે બાદ હિમાચલ સરકારે સંજય કુંડુને મૂળ કેડર આઈપીએસમાંથી આઈએએસ બનાવી દીધા અને તેમને આયુષ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યાં હતાં. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ પછી આઈપીએસ સતવંત અટવાલને ડીજીપીની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, સંજય કુંડુ આયુષ વિભાગમાં જોડાયા ન હતાં.
એસઆઈટી તપાસ જારી રહેશે : દરમિયાન હાઇકોર્ટના આદેશ સામે સંજય કુંડુએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો અને સંજય કુંડુને હાઈકોર્ટમાં રીકોલ અરજી દાખલ કરવા જણાવ્યું હતું. 9 જાન્યુઆરીના રોજ, હાઈકોર્ટે અગાઉના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી રીકોલ અરજીને ફગાવી દીધી હતી અને નિશાંત શર્મા કેસની તપાસ માટે એસઆઈટીને આદેશ આપ્યો હતો. જે બાદ સંજય કુંડુએ ફરીથી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં હવે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સંજય કુંડુને રાહત આપતા હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. આ આદેશ સાથે સંજય કુંડુની ડીજીપી પદ પર પુનઃનિયુક્તિનો માર્ગ ખુલી ગયો છે.
- સાદાઇથી ઉજવવામાં આવી માં છિન્નમસ્તિકાની જયંતિ, DGP સંજય કુંડૂએ ચિંતપૂર્ણી પહોંચીને કરી તપાસ
- FIR on Himachal DGP : હિમાચલના DGP સંજય કુંડૂ વિરુદ્ધ FIR નોંધાશે, હાઈકોર્ટે આપ્યો આદેશ