નવી દિલ્હી : અફઝલ અંસારીને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર કેસમાં તેની સજા પર રોક લગાવી દીધી છે. જેના કારણે તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ સાફ થઈ ગયો. BSP નેતા અંસારીને 29 એપ્રિલના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા અને ચાર વર્ષની જેલની સજા થયા બાદ ગાઝીપુરના સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે મૂક્યા બાદ અંસારી સાંસદ ભંડોળનો ઉપયોગ કરી શકશે. જોકે, તેમને ગૃહમાં મતદાન કરવાનો અધિકાર રહેશે નહીં.
2007 ગેંગસ્ટર એક્ટ કેસ : જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેંચે અંસારીની અપીલને આંશિક રીતે સ્વીકારી હતી. જસ્ટિસ કાંત અને ભુઈયાએ અંસારીની અરજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે જસ્ટિસ દત્તાએ કહ્યું હતું કે, અંસારીની અપીલનો ચુકાદો તેમની તરફેણમાં ન આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સજા સામેની તેમની અરજી પર નિર્ણય લેવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ માટે 30 જૂન, 2024 ની સમયમર્યાદા નક્કી કરી હતી. આ કેસનો વિગતવાર નિર્ણય આજે અપલોડ કરવામાં આવશે.