નવી દિલ્હીઃમોદી સરનેમ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેની સજા પર સ્ટે મુક્યો છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ હતી. આ નિર્ણય બાદ તેમની સંસદ સભ્યતા જતી રહી હતી. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે જ્યાં સુધી રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણી પૂર્ણ ન થાય અને કોર્ટ તેનો અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી તેમની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવશે. હવે રાહુલ ગાંધી સંસદના ચોમાસુ સત્રમાં પણ ભાગ લઈ શકે છે. તેમજ કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે રાહુલ ગાંધી મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેશે.
રાહુલને સુપ્રિમ રાહત મળી : કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, હવે સુપ્રીમ કોર્ટના આદેશની નકલ લોકસભા સચિવાલયને સોંપવામાં આવશે. જે બાદ લોકસભા સચિવાલયે આ અંગે નિર્ણય લેવાનો રહેશે. તેમના મતે, આ પ્રક્રિયામાં વધુ સમય લાગશે નહીં અને સંભવ છે કે રાહુલ ગાંધી મંગળવારે સંસદના સત્રમાં જોડાય. આ નિર્ણય બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તેઓ આજે જ આ નિર્ણયની નકલ લોકસભા સચિવાલયમાં લઈ જવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ માટે આ ખુશીનો દિવસ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચા છે કે આ નિર્ણય બાદ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી શકે છે. જો કે, યુપીએનું સ્થાન લેનાર ન્યૂ ઈન્ડિયા એલાયન્સની બેઠક દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી આ પદ માટે પાછળ નથી.
કોંગ્રેસ પાર્ટીમાં ખુશીની લહેર : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, કોંગ્રેસ પીએમ પદને લઈને કોઈ દબાણ નથી કરી રહી. જો કે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે હવે રાહુલ ગાંધી સામે બહુ પડકાર રહેશે નહીં. એક ચેનલ સાથે વાત કરતા કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ તે સફળ થઈ શક્યું નથી. પાયલોટે કહ્યું કે રાહુલ ગાંધીના કારણે વિપક્ષી એકતા મજબૂત થઈ છે. કેરળના વાયનાડથી ચૂંટણી જીતીને રાહુલ ગાંધી સાંસદ બન્યા હતા. સુપ્રીમ કોર્ટે આજના નિર્ણયમાં કહ્યું કે રાહુલ દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો બદનક્ષીની મર્યાદામાં આવે છે તે યોગ્ય છે, તેમણે સાવચેત રહેવું જોઈતું હતું, પરંતુ એ પણ સાચું છે કે વાયનાડના લોકોએ શા માટે તેનો ભોગ બનવું જોઈએ. ન્યાયાધીશે કહ્યું કે સંસદમાં વાયનાડના લોકોનો મુદ્દો કોણ ઉઠાવશે, તે પણ જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે.
પુર્ણેશ મોદી લડત ચાલું રાખશે : ગુજરાતના બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નીચલી કોર્ટમાં અરજી કરી હતી. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ સજા અને દોષિત ઠેરવવા પર સ્ટે મુકી દીધો છે. આ નિર્ણય બાદ પૂર્ણેશ મોદીએ કહ્યું કે, તેઓ તેમની કાનૂની લડાઈ ચાલુ રાખશે. સુપ્રીમ કોર્ટમાં તેમના વતી હાજર થતાં વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનો ઈરાદો મોદી અટકથી દરેકનું અપમાન કરવાનો હતો અને આ વડા પ્રધાનની અટક પણ છે.
- Modi Surname Case: રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં રાહત, 2024ની ચૂંટણી લડી શકશે...
- ASI survey of Gyanvapi mosque : મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે