નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 7 ઓગસ્ટ, 2023ની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાના નોટિફિકેશનને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે અરજીને વ્યર્થ ગણાવી હતી અને અરજી દાખલ કરનાર વકીલને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આવી અરજી કિંમતી સમયનો વ્યય કરે છે. મોદી સરનેમ સંબંધિત 2019ના અપરાધિક માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાના સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અદાલતે ગયા વર્ષે ઓક્ટોબરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મોહમ્મદ ફૈઝલની લોકસભા સભ્યપદની પુનઃસ્થાપનાને પડકારતી વકીલ-અરજીકર્તા અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન પીઆઈએલને ફગાવી દીધી હતી અને તેના પર રુપીયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલની અરજીમાં, પાંડેએ દાવો કર્યો હતો કે દોષિત ઠરાવ્યા અને સજાના આધારે અયોગ્યતા જ્યાં સુધી અપીલમાં અલગ રાખવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે. તેમણે રાહુલની બેઠક ખાલી હોવાનું જાહેરનામું બહાર પાડવા અને ત્યાં નવેસરથી ચૂંટણી યોજવા ચૂંટણી પંચને સૂચના આપવાની પણ માગણી કરી હતી.