નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ICICI બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ચંદા કોચરની બેંકમાંથી નિવૃત્તિ લાભ મેળવવાની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની ખંડપીઠે કહ્યું, આ કોઈ દખલગીરીનો કેસ જ નથી, અમે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઈચ્છતા નથી તેથી સ્પેશિયલ લીવ પિટિશન ફગાવી દેવામાં આવે છે. જ્યારે કોચર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે કોઈપણ ચર્ચા કે નિષ્કર્ષ વિના જ અરજીને ફગાવી દીધી. બેન્ચે કહ્યું હતું કે તેમણે સામેલ તથ્યોને જોયા છે અને આ મામલે કોઈ દખલ કરવાની જરૂર લાગતી નથી. કોચરે બોમ્બે હાઈકોર્ટના 3 મેના એ આદેશને પડકાર્યો હતો, જેમાં તેમની અરજી એવું કહીને ફગાવી દેવામાં આવી હતી કે, તેમને કોઈપણ વચગાળાની રાહત આપવાથી બેંકને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.
કોર્ટનું તારણ: દરમિયાન, ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદીની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બીજી બેન્ચે કોચરના વચગાળાના જામીનને પડકારતી CBIની અરજી પર સુનાવણી સ્થગિત રાખી હતી. તપાસ એજન્સીની અરજી પર હવે 11 ડિસેમ્બરે સુનાવણી થશે. ICICI બેંકમાંથી સેવાનિવૃત્તિના લાભની માંગ કરતા કોચરે તેમની અરજીમાં વિવિધ દસ્તાવેજો અને કોર્ટના આદેશોને ટાંક્યા હતા અને કહ્યું હતું કે, બેંક દ્વારા દાખલ કરવામાં આવેલા વાદમાં પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ જણાયો નથી.