નવી દિલ્હી:સૌરભ ભારદ્વાજ અને આતિશી ગુરુવારે કેજરીવાલ સરકારની કેબિનેટમાં નવા પ્રધાન તરીકે જોડાશે. નવા પ્રધાનોની શપથવિધિ હોળીના બીજા દિવસે રાખવામાં આવી છે. પાર્ટીના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા શપથ લેવડાવવામાં આવશે. 9 માર્ચે બંને ધારાસભ્યો ગોપનીયતાના શપથ લેશે.
9 માર્ચે લેશે સપથ: 1 માર્ચના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ શિક્ષા પ્રધાન મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા પછી કેબિનેટમાં ખાલી પડેલા પ્રધાન પદો ભરવા માટે તેમના બે ધારાસભ્યોના નામ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નરે તેનો સ્વીકાર કર્યો અને આગળની મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલી દીધો. રાષ્ટ્રપતિએ નવા મંત્રી તરીકે સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામને મંજૂરી આપી દીધી છે. આ પછી 9 માર્ચે બંને ધારાસભ્યો ગોપનીયતાના શપથ લેશે.
કોણ છે નવા પ્રધાન?:આમ આદમી પાર્ટી તરફથી ગ્રેટર કૈલાશ વિધાનસભામાંથી સતત ત્રીજી વખત ચૂંટાયેલા ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા છે. આતિશી કાલકાજીથી ચૂંટણી જીતીને પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. સૌરભ ભારદ્વાજ હાલમાં દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ છે. 2013માં આમ આદમી પાર્ટીની પ્રથમ સરકારમાં તેઓ થોડા દિવસો માટે પરિવહન પ્રધાન પણ હતા. આતિશી મનીષ સિસોદિયાના શિક્ષણ પર સલાહકાર રહી ચૂક્યા છે. આતિશી કેજરીવાલ સરકારની કેબિનેટમાં પ્રથમ મહિલા પ્રધાન હશે.