નવી દિલ્હીઃ રાજધાનીમાં 42મો ઈન્ડિયા ઈન્ટરનેશલ ટ્રેડ ફેર 2023 ચાલી રહ્યો છે. આજે સોમવારે 27 નવેમ્બરના રોજ આ ફેર પૂર્ણ થશે. પ્રગતિ મેદાનમાં આયોજિત ઉત્તર પ્રદેશ પેવેલિયનમાં 2 લાખ 25 હજારની સાડી ફેરના સમગ્ર પ્રવાસીઓનું ધ્યાન ખેંચી રહી છે. ઉત્તર પ્રદેશથી આવેલ મોહમ્મદ તાબિશે આ સાડી બનાવી છે. તાબિશે ઈટીવી ભારતને જણાવ્યું કે મોગલકાળથી તેમના પૂર્વજો આ પ્રકારની સાડીનું નિર્માણ કરતા આવ્યા છે. તેમના જ અન્ય એક સ્ટોલ પર 5થી લઈ 75 હજાર સુધીની સાડીઓ વેચાઈ રહી છે. આ સૌ સાડીઓમાં સૌથી ઉપર છે સવા બે લાખની સાડી. આ સાડીની વાત જ કંઈ નિરાળી છે. તેઓ આ ફેરમાં આ પ્રકારની કુલ 4 સાડી લાવ્યા હતા. જેમાંથી ત્રણ સાડી મોં માંગી કિંમતે વેચાઈ ચૂકી છે.
તાબિશ આગળ જણાવે છે કે આ સાડી રેશમના દોરાથી બનાવાઈ છે તેમજ ગોલ્ડ પ્લેટેડ જરીથી તેને મઢવામાં આવી છે. આ સાડીને બનાવવામાં ત્રણ મહિના લાગે છે જેથી મજૂરી પણ વધુ ચૂકવવી પડે છે. પરિણામે આ સાડીની કિંમત વધી જાય છે. આ સાડીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે છ મહિને એક વાર તડકે તપાવવી જરુરી છે. જો તડકે સાડીને તપાવીએ નહિ તો તેમાં જીવાત પડી જાય છે. જે સાડીને ખાઈ જાય છે.