- સમીર વાનખેડે તપાસ ટીમ સમક્ષ હાજર થયા
- 5 સભ્યોની તપાસ ટીમ આગળ આરોપો ફગાવ્યા
- કથિત ખંડણીના આરોપોના સંદર્ભમાં થઈ રહી છે તપાસ
મુંબઈ: NCB મુંબઈના રીજનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Vankhede) બુધવારે તપાસ ટીમ સમક્ષ હાજર થયા હતા. એજન્સીની 5 સભ્યોની ટીમ સમક્ષ હાજર થયા બાદ તેમણે કહ્યું કે, મારી સામેના તમામ આરોપો ખોટા છે.
સમીર વાનખેડેનું નિવેદન નોંધવાનું કામ શરૂ
આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) નોર્ધન ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (Deputy Director General of the Northern Zone) જ્ઞાનેશ્વર સિંહે બુધવારે જણાવ્યું હતું કે, વિભાગીય તકેદારી તપાસના ભાગરૂપે તેઓએ એજન્સીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડેનું નિવેદન નોંધવાનું કામ શરૂ કર્યું છે. ક્રુઝ શિપ પર માદક દ્રવ્યો મળ્યા બાદ એક આરોપી પાસેથી કથિત ખંડણીના આરોપોના સંદર્ભમાં તપાસ કરવામાં આવી રહી છે.
વિજિલન્સ ટીમ મુંબઈ પહોંચી
DDG સિંહે મીડિયાને જણાવ્યું કે, 5 સભ્યોની વિજિલન્સ ટીમ બુધવાર સવારે મુંબઈ પહોંચી અને તેણે પોતાની તપાસ શરૂ કરી દીધી છે, જે હેઠળ દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત કાર્યાલયથી કેટલાક દસ્તાવેજો અને રેકોર્ડિંગ્સ એકત્ર કરવામાં આવ્યા છે. સિંહ વસૂલાત કેસમાં વિભાગીય તકેદારી તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.
વિસ્તૃત જાણકારી આપવાની કહી દીધી ના
તેમણે કહ્યું છે કે, તપાસ દરમિયાન તમામ સાક્ષીઓને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે. હું કોઈ વ્યક્તિનું નામ નહીં લઉં. જો કે પત્રકારો દ્વારા પ્રશ્ન કરવામાં આવતા અધિકારીએ બાદમાં જણાવ્યું કે, વાનખેડેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. આ સંવેદનશીલ તપાસ છે અને વાસ્તવિક સમયમાં તપાસ સંબંધિત જાણકારી આપવી સંભવ નથી, અમે વિસ્તૃત જાણકારી નહીં આપી શકીએ.