રાજસ્થાન :એક તરફ મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો ચાલી રહ્યો છે. બીજી તરફ BJP આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ ઈતિહાસ સાથે જોડાયેલા તથ્યોને લઈને એક ટ્વિટ કર્યું છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી જેમાં ખાસ કરીને સચિન પાયલટ ભારે નારાજ થયા છે. ઉલ્લેખનિય છે કે, અમિત માલવિયાના આરોપોથી વ્યથિત રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે ભારતીય વાયુસેનામાં તેના પિતા રાજેશ પાયલટના કમિશનની તારીખનું પ્રમાણપત્ર સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું.
અમિત માલવિયાના આક્ષેપ : અમિત માલવીયાએ પોતાના ટ્વિટમાં રાજેશ પાયલટ અને સુરેશ કલમાડીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ 5 માર્ચ 1966 ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોમ્બ ફેંક્યા હતા. રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી તે વિમાનોને ઉડાવી રહ્યા હતા. વધુમાં તેમણે એમ પણ લખ્યું કે, બાદમાં બંને કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવી સાંસદ બન્યા હતા. ઉપરાંત સરકારમાં મંત્રી પણ બન્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ઇન્દિરા ગાંધીએ ઉત્તર પૂર્વમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલા કરનારાઓને ઈનામ તરીકે રાજકારણમાં સ્થાન અને સન્માન આપ્યું હતું.